રાજકોટ સ્થિત મવડી પોલીસ હેડક્વાર્ટરમાં આજે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ ગ્રામ્ય અને જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સેરિમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શનમાં આવનારા પડકારોને પહોંચી વળવા માટે પોલીસની તૈયારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા સંબંધિત તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ નિરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ દળની સજ્જતા, તાલીમ અને આંતરિક વ્યવસ્થાપનની ચકાસણી કરવાનો હતો. ચકાસણી બાદ અશોકકુમારે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય અને જિલ્લા પોલીસનાં જવાનો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમારે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આજે વાર્ષિક પરેડનું આયોજન થયું છે. આ પરેડ સાથે સાથે આવનારા વર્ષમાં પોલીસ સામે જે પણ પડકારો છે, તેને પહોંચી વળવા માટેની તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી છે, તેની સમીક્ષા કરવામાં આવી છે.
સામાન્ય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની તૈયારીઓ, જેમ કે તોફાનોને નિયંત્રિત કરવા અને ભીડ નિયંત્રણ માટે મોકડ્રિલ સહિત તમામ પ્રકારની પોલીસની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ તમામ પડકારોનો સામનો કરવા માટે કટિબદ્ધ છે અને તેમની તૈયારીઓ સંપૂર્ણ રીતે કોઈપણ પરિસ્થિતિને અનુકૂળ છે.
પોલીસ મહાનિરીક્ષકના આ ઇન્સ્પેક્શનનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ ગ્રામ્ય પોલીસ દળ માત્ર નિયમિત ફરજો માટે જ નહીં, પરંતુ રાષ્ટ્રિય સુરક્ષા અને કાયદાના ગંભીર પડકારો માટે સંપૂર્ણ રીતે તૈયાર છે કે કેમ તે ચકાસવાનો હતો.
આંતકવાદી પડકારનો સામનો કરવા તાલીમ
આ ઇન્સ્પેક્શન દરમિયાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા કોઈપણ આતંકવાદી પડકારનો સામનો કેવી રીતે કરી શકાય તેની તૈયારીઓ તેમજ રિહર્સલ પણ રાખવામાં આવી છે.
દિલ્હીની ઘટના બાદ રેન્જના પાંચેય જિલ્લામાં સતત ચેકિંગ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાને લઇ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા લગભગ 18 કલાકથી પોલીસ દ્વારા સંપૂર્ણ ચેકિંગ અને સુરક્ષાની કાર્યવાહી સતત ચાલુ છે. આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા વ્હીકલ ચેકિંગ, સાર્વજનિક સ્થળોનું ચેકિંગ, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. એટલું જ નહીં, દરિયાઈ વિસ્તારમાં પણ અમારી સખત વ્હીકલ ચેકિંગની કામગીરી, શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી અને તમામ લેન્ડિંગ પોઈન્ટ્સ પર ચેકિંગની કામગીરી સંપૂર્ણ રીતે ચાલુ છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય.