રાજકોટ શહેરના ચા-રસિકો અને કિટલીઓ પર ચર્ચા-વિચારણા કરતા નાગરિકો માટે એક ખિસ્સા ખાલી કરનારા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના માર વચ્ચે હવે રાજકોટમાં ચાની ચુસ્કી લેવી વધુ મોંઘી બનશે. રાજકોટ જિલ્લા ટી એસોસિએશન દ્વારા શહેરના તમામ ટી-સ્ટોલ અને હોટલો પર વેચાતી ચાના ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1લી તારીખથી આ નવો ભાવવધારો સત્તાવાર રીતે અમલમાં આવી જશે, જેના કારણે દૈનિક ધોરણે ચા પીતા હજારો લોકોના બજેટ પર સીધી અસર પડશે.
કપ દીઠ રૂ. 3 થી રૂ. 5 સુધીનો સીધો વધારો
નવા સુધારેલા ભાવ મુજબ અત્યાર સુધી શહેરમાં જે આખી ચા રૂ.20 થી રૂ.24ની આસપાસ મળતી હતી, તે હવેથી ગ્રાહકોને રૂ.30ની કિંમતે મળશે. જ્યારે દરરોજ સૌથી વધુ વેચાતી 'અડધી ચા' (કટિંગ ચા), જે અત્યાર સુધી રૂ.10થી રૂ.12માં વેચાતી હતી, તેના માટે હવે ગ્રાહકોએ રૂ.15 ચૂકવવા પડશે. આમ, પ્રતિ કપ દીઠ રૂ. 3 થી રૂ. 5 સુધીનો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
સર્વાનુમતે આ ભાવવધારાનો આકરો નિર્ણય લેવો પડ્યો
આ ભાવવધારા અંગે સ્પષ્ટતા કરતા રાજકોટ ટી એસોસિએશનના પ્રમુખ રાજુ ઠુંગાએ જણાવ્યું હતું કે, ચા બનાવવા માટે વપરાતી તમામ દૈનિક સામગ્રીના ભાવમાં અપ્રત્યાશિત વધારો થયો છે. ખાસ કરીને દૂધ, ચાની પત્તી, ખાંડ અને ગેસ-કોલસાના ભાવમાં થયેલા મસમોટા ઉછાળાને કારણે હોટલ તથા ટી-સ્ટોલ ધારકો માટે જૂના ભાવે ચા વેચવી આર્થિક રીતે પોષાય તેમ નથી. વેપારીઓની મજબૂરી અને ધંધાકીય ખર્ચને પહોંચી વળવા માટે એસોસિએશન દ્વારા સર્વાનુમતે આ ભાવવધારાનો આકરો નિર્ણય લેવો પડ્યો છે.
ચાના શોખીનોમાં ચિંતા
રાજકોટમાં નાના-મોટા હજારો હોટલ અને કિટલી ધારકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે એસોસિએશનના આ નિર્ણય બાદ 1લી તારીખથી શહેરની તમામ હોટલો અને ચાની હોટલો પર નવા રેટ બોર્ડ જોવા મળશે. એક તરફ મોંઘવારી સામાન્ય લોકોની કમર તોડી રહી છે, ત્યારે સવાર-સાંજની ચાના ભાવમાં થયેલા આ વધારાથી સામાન્ય જનતા અને ચાના શોખીનોમાં ચિંતા સાથે અમુક અંશે નારાજગી પણ જોવા મળી રહી છે.