કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે રાજ્ય સરકારના જીએસટી વિભાગ હેઠળ રાજકોટ વિભાગ 10ની ચાલુ નાણાકીય વર્ષ 2025-26ની સપ્ટેમ્બર મહિનાની જીએસટીની આવકમાં ગત નાણાકીય વર્ષ 2024-25 મહિનાની આવક કરતા રૂપિયા 7 કરોડનો વધારો થયો છે. પરંતુ લક્ષ્યાંક રૂપિયા 287 કરોડ કરતા રૂપિયા 59 કરોડનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ચાલું નાણાકીય વર્ષ સપ્ટેમ્બર 2025-26ની જીએસટીની આવક રૂપિયા 228 કરોડ થતા આ વર્ષે 79 ટકા કરતા વધુ લક્ષ્યાંક સિદ્ધ થયો હોવાનું રાજકોટ વિભાગ 10ના કમિશનર પાસેથી જાણવા મળ્યું છે
આ અંગે વધુ પ્રકાશ પાડતા જીએસટી વિભાગ 10ના કમિશનર એમ.એ પટેલે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2024-25ના સમયગાળા દરમિયાન જીએસટીની આવક રૂપિયા 221 કરોડ રૂપિયા હતી. જેની સામે ચાલુ નાણાકીય વર્ષ 2025-25માં જીએસટીની આવક 228 કરોડ નોંધાતા આ વર્ષે રૂપિયા 7 કરોડનો વધારો થયો છે. આમ સપ્ટેમ્બર મહિનામાં ઘરેલુ લેવડદેવડથી કુલ જીએસટીની આવકમાં લક્ષ્યાંક કરતા 20.55 ટકા ઘટાડો નોંધવામાં આવ્યો છે.
મહત્વનું છે કે સપ્ટેમ્બર 2025માં રાજ્યને જીએસટી હેઠળ રૂપિયા 6,052 કરોડની આવક થઈ છે. જે સપ્ટેમ્બર 2024 કરતા રૂપિયા 5,883 કરોડ એટલે કે 3.10 ટકા વધુ છે. સપ્ટેમ્બર 2025 માં વેટ હેઠળ રૂપિયા 2,618 કરોડ જીએસટી હેઠળ રૂપિયા 22 કરોડ, વિધુત શુલ્ક હેઠળ રૂપિયા 980 કરોડ મળીને કુલ રૂપિયા 29,672 કરોડની આવક થઈ છે. જ્યારે મોબાઈલ સ્કવોડ દ્વારા અન્વેષણ હેઠળ રૂપિયા 31.42 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના આ સમયગાળા કરતા 23.85 કરોડ એટલેકે 35 ટકા વધુ નોંધવામાં આવી છે.