ગુજરાત સ્ટેટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ,ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકા હસ્તકના ફાયર સ્ટેશનની કામગીરીની સમીક્ષાને અંતે શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયર બ્રિગેડ સ્ટેશનને બેસ્ટ ફાયર સ્ટેશન એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત ગઇકાલે તા.૭-૧૧-૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે આશ્રમ રોડ ઉપર હોટલ હયાત રિજન્સી ખાતે આયોજિત એવોર્ડ સમારોહમાં રાજકોટ શહેરના ત્રણ ફાયર સ્ટેશનને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
એવોર્ડ સમારોહ અંતર્ગત રામાપીર ફાયર બ્રિગેડ સ્ટેશનના સ્ટેશન ઓફિસર ફિરોઝ લુવાની, કોઠારીયા ફાયર બ્રિગેડ સ્ટેશનના સ્ટેશન ઓફિસર મોઇન શેખ, અને રેલનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર દિનેશભાઇ ચાંચીયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો.આ તકે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજકોટના ઉપરોક્ત ત્રણ ફાયર સ્ટેશન દ્વારા ફાયર કોલ, બચાવ કોલ, એમ્બ્યુલન્સ તથા શબવાહીની કોલ તથા ઈમારતોમાં નિયમિત ફાયર સેફટી ઇન્સ્પેકશન તેમજ ફાયર એનઓસી અંગે બિલ્ડીંગોનું ઇન્સપેકશન વિગેરે બાબતોની પ્રશંસનીય કામગીરી કરાઇ હતી.
રાજકોટ મહાપાલિકાના ત્રણ ત્રણ ફાયર બ્રિગેડ સ્ટેશનને એવોર્ડ મળતા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડિયા, ફાયર બ્રિગેડ કમિટી ચેરમેન દિલીપભાઇ લુણાગરિયા તેમજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.