BREAKING NEWS

રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડનો સપાટો: ભાયાસર અને હળવદમાંથી ૨.૪૦ કરોડનો મુદ્દામાલ સીઝ

  • October 21, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરીને બે અલગ-અલગ દરોડામાં કુલ રૂપિયા ૨.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.પ્રથમ કિસ્સામાં, ગત તારીખ ૨૦ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક અંકિત ભટ્ટની સૂચના અને માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમ દ્વારા મોજે ભાયાસર (તા. જી. રાજકોટ) વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન સ્થાનિક સ્તરે ગેરકાયદેસર રીતે હાર્ડમોરમ ખનીજનું ખનન અને વહન થતું હોવાનું માલૂમ પડ્યું હતું. ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે ઘટનાસ્થળેથી ૧ જેસીબી કંપનીનું એક્સકેવેટર મશીન અને ૨ ડમ્પર ઝડપી લીધા હતા. આશરે રૂપિયા ૧ કરોડની કિંમતનો આ તમામ મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી માટે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ભાયાસર ખાતે થયેલા તાજા હાર્ડમોરમ ખનીજ ખનનની ચોક્કસ માપણી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજા કિસ્સામાં, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મોજે ચાડધરા ગામ પાસે આવેલ નદીપટ્ટ વિસ્તારમાં પણ મોટા પાયે ગેરકાયદેસર સાદી રેતીનું ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે દરોડો પાડી રેતી ચોરીમાં સંકળાયેલ ૧ હ્યુન્ડાઈ કંપનીનું એક્સકેવેટર મશીન તેમજ ૩ ડમ્પર રંગેહાથ ઝડપી લીધા હતા. આશરે ૧ કરોડ ૪૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી તેને હળવદ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે. અહીં પણ નદીપટ્ટમાં થયેલા તાજા રેતી ખનનની માપણી કરવામાં આવી છે. આ બંને કિસ્સાઓમાં થયેલા બિનઅધિકૃત ખનનની માપણીના આધારે હવે પછીની આગળની દંડકીય અને કાયદાકીય કાર્યવાહી રાજકોટ કચેરી ખાતેથી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application