BREAKING NEWS

રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 24મી રથયાત્રાની તડામાર તૈયારી, જાણો ક્યાં કાર્યક્રમો યોજાશે

  • July 01, 2026 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વર્ષે 16મી જુલાઈએ અષાઢી બીજ આવે છે. રાજકોટમાં ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003થી દર વર્ષે ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.  આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા શહેરભરમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક 23મી રથયાત્રા યોજાશે. જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ખૂબ જ અનેરું મહત્વ છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે પરંતુ ભગવાન જગન્નાથજી એટલા દયાળુ છે કે તેઓ ભક્તોને દર્શન આપવા માટે સ્વયં શહેરના માર્ગો પર નીકળી નગરચર્યાએ નીકળી સામેથી ભક્તોને દર્શન આપે છે.   

આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વર્ષે 16મી જુલાઈના ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા યોજાશે. રથયાત્રા બપોરે 4 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે કે ચોક થઈ કાલાવડ રોડ પર એજી ચોક, જડ્ડુસ સર્કલથી રંગોલી પાર્ક ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી પસાર થઈને જીનિયસ રોડ પાસેથી ઇસ્કોન મંદિરે પરત ફરશે. રાત્રે 8 વાગે રથયાત્રાના સમાપન બાદ સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.  

વધુમાં જણાવ્યું છે કે ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા છેલ્લા થોડા વર્ષથી એક નવી પહેલ શરુ કરાઈ છે જે અંતર્ગત ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રભરના વિવિધ શહેરોમાં ભગવાનની રથયાત્રા યોજવામાં આવે છે જેમાં રાજકોટ મંદિર સ્થિત જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીને વિવિધ શહેરોમાં લઈ જઈને ભગવાનની રથયાત્રા યોજાઈ છે જેમાં દ્વારકા, સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને ખંભાળિયામાં તો ઘણા વર્ષોથી આ અભિગમ અંતર્ગત અમે રથયાત્રા યોજીએ છીએ પરંતુ આ વર્ષે પ્રથમ વખત ગોંડલ અને જેતપુર આ બે શહેરોમાં પણ રથયાત્રા યોજાશે અને આ બંને શહેરોના શહેરીજનોને પણ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ મળશે. 


ક્યાં દિવસે રથયાત્રા યોજાશે

16 જુલાઈ 2026 - રાજકોટ 

17 જુલાઈ 2026 - ખંભાળિયા 

18 જુલાઈ 2026 - પોરબંદર 

19 જુલાઈ 2026 - દ્વારકા 

21 જુલાઈ 2026 - સોમનાથ 

22 જુલાઈ 2026 - જૂનાગઢ 

23 જુલાઈ 2026 - જેતપુર 

24 જુલાઈ 2026 - ગોંડલ 


ઉલ્લેખનીય છે કે જગન્નાથપુરીમાં પણ ભગવાન જગન્નાથ રથયાત્રાનો મહોત્સવ નવ દિવસ ચાલે છે જેમાં ભગવાન પોતાના મુખ્ય મંદિર જે શ્રીમંદિરના નામે ઓળખાય છે ત્યાંથી શરૂ કરી પોતાના માસીના ઘરે જે ગુંડીચા મંદિર ઓળખવામાં આવે છે ત્યાં સુધી રથયાત્રા યોજાશે. આ અભિગમ અંતર્ગત અમે પણ ઇસ્કોન મંદિર રાજકોટ અંતર્ગત નવ દિવસ દરમિયાન શહેરના સૌરાષ્ટ્ર પરના વિવિધ શહેરોમાં રથયાત્રા યોજીને સૌરાષ્ટ્રભરના ભક્તજનો ને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ મળે એ હેતુથી આ અભિગમ કેળવ્યો છે.


રાજકોટ શહેરમાં રથયાત્રા દરમિયાન શહેરભરના ભક્તજનોને પ્રસાદ મળી રહે તે હેતુથી મંદિર દ્વારા આશરે 5000 કિલો બુંદીના એક લાખ જેટલા પેકેટ બનાવવામાં આવશે. જેનું રથયાત્ર દરમિયાન શહેરભરમાં વિતરણ કરવામાં આવશે. આ માટે ગુંદી પેકિંગની સેવા પણ ત્રણ ચાર દિવસ પહેલા શરૂ થઈ જશે. 


આમ, રાજકોટની ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને રથયાત્રા માટે તેમજ રથયાત્રાના દિવસે સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે. આપ રથયાત્રામાં ઉપર જણાવેલ માર્ગમાંથી આપના નિવાસની નજીક પડતા માર્ગેથી જોડાઈને ભગવાનના દર્શનનો લાભ લેવાનું ભાવભર્યું આમંત્રણ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application