BREAKING NEWS

રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, સાણંદ, ધોલેરા ,સુરત અને ભરૂચને ડિફેન્સ કોરિડોર તરીકે વિકસાવાશે

  • October 12, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે હવે ડિફેન્સ સેક્ટરના ટ્રાન્સફોર્મેશન સાથે રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રના વિકાસ માટે કમર કસી છે. ગુજરાતમાં ડિફેન્સ વ્હીકલ અને તેના ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદન માટે દેશ-વિદેશની કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આગામી વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રમાં મોટાપાયે રોકાણો આકર્ષવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા સાણંદ અને ધોલેરા ઉપરાંત સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ ગણાતા રાજકોટ અને સુરેન્દ્રનગર તેમજ કચ્છ, સુરત અને ભરૂચ જેવા વિસ્તારોને 'ડિફેન્સ કોરિડોર' તરીકે વિકસાવવા માટે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે. રાજકોટને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં રોકાણકારો માટે જમીનથી માંડીને કુશળ માનવબળ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. ઉદ્યોગ વિભાગના જણાવ્યા અનુસાર, ડિફેન્સ વ્હીકલ્સમાં કોમ્બેટ, સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ, સ્પેશિયાલાઇઝ્ડ, એર ડિફેન્સ વ્હીકલ્સ અને અનમેન્ડ વ્હીકલ્સ (ડ્રોન વગેરે)ના ઉત્પાદન માટે રોકાણો આકર્ષવાના પ્રયાસો હાથ ધરાયા છે.

કેન્દ્ર સરકારના 'મેઇડ ઇન ઇન્ડિયા'ના સૂત્રને સાર્થક કરવા માટે ડિફેન્સ ઇક્વિપમેન્ટ, વ્હીકલ્સ તેમજ તેને લગતા સાધન અને પૂર્વાધિકારીઓની આપૂર્તિ ભારતમાં જ થઈ શકે તે માટે ખાનગી ક્ષેત્રને પણ ખુલ્લું મુકવામાં આવ્યું છે. હાલ દેશમાંથી 30 હજાર કરોડ રૂપિયાથી વધુના ઉત્પાદનની નિકાસ વિશ્વના જુદા જુદા દેશોમાં કરવામાં આવી રહી છે. આ સ્થિતિને વધુ ગતિશીલ બનાવવા માટે કેન્દ્ર સરકારે દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યને સૌથી વધુ 22 જેટલા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઊભા કરવા માટેના લાયસન્સ મંજૂર કર્યા છે.


ગુજરાત સરકારે આ સાથે મિલિટરી ઇક્વિપમેન્ટ ટ્રેનિંગ અને સિમ્યુલેશન સેન્ટર્સ સ્થાપવા માટે પણ ગંભીરતાથી પ્રયાસો શરૂ કરી દીધા છે. આગામી સપ્તાહથી વાઇબ્રન્ટ સમિટ માટે ઉચ્ચ સ્તરીય ડેલિગેશનની વૈશ્વિક મુલાકાતોનો આરંભ થઈ રહ્યો છે, ત્યારે વૈશ્વિક રોકાણકારો સમક્ષ ડિફેન્સ ક્ષેત્રના રોકાણો આકર્ષવા માટે ઉદ્યોગ વિભાગ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application