રાજકોટ લોકમેળાની યાંત્રિક રાઇડ્સ ચકડોળે ! હજુ સુધી એકને પણ મંજૂરી નહીં
રાજકોટ લોકમેળાની યાંત્રિક રાઇડ્સ ચકડોળે ! હજુ સુધી એકને પણ મંજૂરી નહીં
September 02, 2026 10:23 AM
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આજથી શરૂ થયેલા લોકમેળામાં મનોરંજનનું સૌથી મોટું આકર્ષણ ગણાતી યાંત્રિક રાઇડ્સને લઈને અનિશ્ચિતતા ઉભી થઈ છે. મેળામાં વિવિધ રાઇડ્સ તૈયાર હોવા છતાં હજુ સુધી એકપણ યાંત્રિક રાઇડને પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે રાઇડ્સ શરૂ થશે કે નહીં તે અંગે પણ સ્થિતિ સ્પષ્ટ બની નથી.જન્માષ્ટમીના પર્વને લઈને રાજકોટના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે યાંત્રિક રાઇડ્સ મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે. જોકે, સલામતીના મુદ્દે તંત્ર દ્વારા કોઈ બાંધછોડ કરવામાં આવી રહી નથી. રાઇડ્સના સંચાલકો દ્વારા મંજૂરી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તમામ જરૂરી દસ્તાવેજો તથા સલામતી સંબંધિત ચકાસણી પૂર્ણ થયા બાદ જ રાઇડ્સને લીલી ઝંડી આપવામાં આવશે. રાઇડ્સની મંજૂરી માટે સંબંધિત વિભાગો દ્વારા વિવિધ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. રાઇડ્સની ટેકનિકલ સ્થિતિ, ફિટનેસ, માળખાકીય મજબૂતી, ઓપરેટિંગ સિસ્ટમ તેમજ સલામતીના સાધનો સહિતની બાબતો તપાસ હેઠળ છે. એકપણ કડીમાં ખામી જણાય તો મંજૂરી અટકાવવામાં આવી શકે તેવી સ્થિતિ છે. આ તરફ મેળો આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે રાઇડ્સને મંજૂરી ન મળતા રાઇડ્સના સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. રાઇડ્સ ઊભી કરવા પાછળ ખર્ચ કર્યા બાદ જો સમયસર મંજૂરી નહીં મળે તો સીધી આર્થિક અસર થવાની ભીતિ છે. બીજી તરફ તંત્ર માટે લોકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાથી ચકાસણીમાં કોઈ ઉતાવળ કરવામાં આવતી નથી. લોકમેળામાં રાઇડ્સ ક્યારે શરૂ થશે અને તમામ રાઇડ્સને મંજૂરી મળશે કે કેટલીક રાઇડ્સને બ્રેક મારવામાં આવશે તે અંગે હાલ કોઈ સત્તાવાર નિર્ણય સામે આવ્યો નથી. પરિણામે મેળાની મોજ માણવા આવેલા લોકોમાં પણ રાઇડ્સ અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે તમામ ચકાસણી ક્યારે પૂર્ણ થાય અને તંત્ર રાઇડ્સને ક્યારે લીલી ઝંડી આપે તેના પર સૌની નજર છે.