BREAKING NEWS

રાજકોટના મનપાના લાયન સફારી પાર્કનું ૮૦ ટકા કામ પૂર્ણ થયું, ચૂંટણી પૂર્વે લોકાર્પણ

  • December 02, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરની ભાગોળે પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ પાસે ૪૪ કરોડના ખર્ચે ૨૯ હેક્ટર જમીન વિસ્તારમાં નિર્માણાધિન એશિયાટીક લાયન સફારી પાર્ક પ્રોજેક્ટનું ૮૦ ટકા કામ પૂર્ણ થયું હોય મહાપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે સંભવત: માર્ચ મહિનામાં લોકાર્પણ કરાય તેવી પ્રબળ શક્યતા હોવાનું જાણવા મળે છે.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, લાયન સફારી પાર્કનું કામ કુલ સાત ફેઇઝમાં કામ કરવાનું છે. જે પૈકી વિશાળ કમ્પાઉંડ વોલ તથા ફેન્સીંગ, મેઇન ગેઇટ, ટુ વે એન્ટ્રી એકિઝટ, મોટા રસ્તાઓ, નાના તળાવ, ચેક ડેમ, આયુર્વેદ પાર્ક સહિતના કામો પણ પૂર્ણ થવામાં છે. બાકી રહેતા બે ફેઇઝનું કામ પાંચ મહિનામાં પૂર્ણ થવાની શકયતા સાથે માર્ચ મહિનામાં લાયન સફારી પાર્ક ખુલો મુકાય તેવી શક્યતા છે. કુલ સાત તબક્કાના પ્રોજેક્ટમાં ચાર તબક્કાનું કામ પૂર્ણ થયુ છે અને અંદાજીત ૨૭ કરોડનું કમ્પાઉંડ વોલ અને મેઇન ગેઇટનું કામ પૂર્ણ થતા હવે નાઇટ શેલ્ટર, ફૂડ કોર્ટ અને પાર્કિંગ વ્યવસ્થા સહિતના ત્રણ કામો શરૂ કરવામાં આવ્યા છે. હજૂ પણ પાંચ મહિનાનું કામ બાકી હોય માર્ચ મહિનામાં લાયન સફારી પાર્ક ખુલો મુકાય તેવી તૈયારીઓ તંત્ર કરવામાં આવી રહી છે. લાયન સફારી પાર્કના નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની સમયમર્યાદા જૂન-૨૦૨૬ છે પરંતુ માર્ચ-૨૦૨૬ સુધીમાં જ કામ પૂર્ણ થઇ જાય તેવું લાગી રહ્યું છે. સાત તબક્કામાંથી ચેઇન લિન્ક ફેન્સીંગ તેમજ કમ્પાઉન્ડ વોલ, ઈન્સ્પેક્શન પાથ, ઈન્ટરનલ રોડ, ટુ-વે ગેઈટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રાણીઓ માટેનું નાઈટ શેલ્ટર, જીએસઆર, એન્ટ્રન્સ પ્લાઝા સહિતનું કામ હજુ ચાલી રહ્યું છે.

વિશાળ એશિયાટિક લાયન સફારી પાર્કમાં લોકેશન ટ્રેસ કરવા માટે ઇન્ટર કનેક્ટેડ રોડ બનશે. લાયન સફારી પાર્કમાં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, રેસ્ટીંગ શેડ, બાળકો માટેનું પ્લે ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ સહિતની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. હાલ સાસણ ગીરમાં જે પ્રકારે સિંહદર્શન થાય છે તે પ્રકારે રાજકોટમાં સિંહ દર્શન કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application