રાજકોટ મહાપાલિકાના વર્તમાન બોર્ડની મુદ્દત આગામી તા.૧૧ માર્ચે પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે વહીવટદાર શાસન નિશ્ચિત બની ગયું છે, માર્ચ અને એપ્રિલ તેમ બે મહિના વહીવટદાર શાસન રહે અને મે મહિનામાં મહાપાલિકાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. અલબત્ત રાજકોટ મહાપાલિકા કચેરી તો ટર્મ પૂર્ણ થવાના પખવાડિયા પૂર્વે હાલથી જ ખાલીખમ જોવા મળી રહી છે. કોર્પોરેટરો આગામી ચૂંટણીની તૈયારીને લઇને વોર્ડમાં વ્યસ્ત બન્યા છે.
વિશ્વસનીય રાજકીય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, મે-ના પ્રથમ પખવાડિયામાં રાજકોટ સહિત રાજ્યની તમામ કોર્પોરેશનની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. રાજકોટ સહિત રાજ્યની છ મહાપાલિકામાં દોઢથી બે મહિના વહીવટદારરાજ આવશે. તા.૧૧ માર્ચ બાદ મહાપાલિકામાં ગમે ત્યારે વહીવટદાર રાજ આવશે. નવી રચાયેલી મહાપાલિકાઓમાં તો હાલ વહીવટદાર જ કાર્યરત છે. વહીવટદાર તરીકે હાલમાં કાર્યરત મ્યુનિસિપલ કમિશનર અથવા અન્ય સિનિયર ઓફિસર મુકાશે તેમ જાણવા મળે છે. રાજ્યનું ચૂંટણી પંચ માર્ચ મહિનાના અંત સુધીમાં મતદાર યાદી તૈયાર કરશે તેમ જાણવા મળે છે.એપ્રિલ માસના મધ્યમાં ચૂંટણીપંચ મહાપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરે અને મે મહિનામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
વર્તમાન બોર્ડની ચોખ્ખી ૯ દિવસની મુદ્દત બાકી
રાજકોટ મહાપાલિકાના વર્તમાન બોર્ડની મુદ્દત તા.૧૧ માર્ચે પૂર્ણ થશે, આવતીકાલે તા.૨૭ ફેબ્રુઆરીથી ગણતરી કરીએ તો કુલ ૧૩ દિવસ બાકી રહે તેમાં તા. ૨૮મીએ ચોથા શનિવારની રજા, તા.૧ માર્ચે રવિવારની રજા, તા.૪ માર્ચે ધૂળેટીની રજા અને તા.૮ માર્ચે રવિવારની રજા આ મુજબ ચાર દિવસની રજા છે. એકંદરે વર્તમાન બોર્ડના ચોખ્ખા નવ દિવસ બાકી રહે.
હજુ એકાદ જમ્બો સ્ટેન્ડિંગ મિટિંગ યોજાય તેવી શક્યતા
રાજકોટ મહાપાલિકાના વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થવા આડે આવતીકાલથી કુલ ૧૩ દિવસ અને તેમાં રજાઓ બાદ કરતા ચોખ્ખા ૯ દિવસ બાકી રહે છે ત્યારે તમામ વોર્ડના પેન્ડિંગ કામો આગળ ધપાવવા જમ્બો એજન્ડા સાથે હજુ સ્ટેન્ડિંગ કમિટીની એકાદ મિટિંગ યોજાઇ તેવી શક્યતા છે.