BREAKING NEWS

રાજકોટ મનપાએ બે વર્ષમાં કાર્યક્રમોમાં કર્યો રૂ.19.41 કરોડનો ધુમાડો, જન્માષ્ટમીની ઉજવણીમાં રૂ.1.83 કરોડ ખર્ચાયા

  • October 21, 2026 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ કુલ રૂ.૧૯ કરોડ ૪૧ લાખ ૪૫ હજાર ૩૧૭નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું મનપાની સામાન્ય સભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સામે આવ્યું છે. વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર સુધાબા રામદેવસિંહ વાઘેલાએ સાંસ્કૃતિક વિકાસ વિભાગના ખર્ચ અને તેની મંજૂરી અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં મનપાએ આ વિગતો જાહેર કરી હતી.


કોર્પોરેટર સુધાબા વાઘેલાએ ગત સામાન્ય સભા માટે રજૂ કરેલા પ્રશ્નમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સાંસ્કૃતિક વિકાસ વિભાગે કુલ કેટલો ખર્ચ કર્યો, કયા-કયા કાર્યક્રમો પાછળ કેટલી રકમ ખર્ચવામાં આવી તેમજ કેટલા ખર્ચને સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાની મંજૂરી મળી હતી તેની વિગત માગી હતી. દરેક ખર્ચની મંજૂરીની તારીખ સહિતની માહિતી પણ રજૂ કરવા જણાવાયું હતું.


સાંસ્કૃતિક વિકાસ વિભાગે આપેલા જવાબ મુજબ તા.૧ ઓક્ટોબર, ૨૦૨૪થી તા.૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધીના સમયગાળામાં વિવિધ કાર્યક્રમો પાછળ કુલ રૂ.૧૯.૪૧ કરોડનો ખર્ચ થયો છે. આ કુલ ખર્ચમાંથી કાર્યક્રમ સંબંધિત કામગીરી પાછળ રૂ.૧૭.૫૭ કરોડ ખર્ચવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે જન્માષ્ટમી સંબંધિત કાર્યક્રમો પાછળ રૂ.૧.૮૩ કરોડનો ખર્ચ નોંધાયો છે.


મનપાના સત્તાવાર જવાબમાં વધુમાં જણાવાયું છે કે ઉપરોક્ત કાર્યક્રમોના કુલ ખર્ચ પૈકી રૂ.૨.૬૫ કરોડના ખર્ચને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળી શકે તેવો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જોકે, આ ખર્ચ પૈકી કોઈપણ ખર્ચની મંજૂરી સામાન્ય સભામાં લેવામાં આવી ન હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.


આ વિગતો જાહેર થતાં મનપાના સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ થતાં કરોડો રૂપિયાના ખર્ચ અને તેની મંજૂરીની પ્રક્રિયા અંગે ચર્ચા શરૂ થઈ શકે છે. ખાસ કરીને બે વર્ષમાં રૂ.૧૯.૪૧ કરોડ જેટલી મોટી રકમ ખર્ચાઈ હોવા છતાં સામાન્ય સભામાં ખર્ચની મંજૂરી લેવામાં આવી નથી તે બાબત મહત્ત્વપૂર્ણ બની છે. ચૂંટાયેલા સભ્યો સમક્ષ ખર્ચની સંપૂર્ણ વિગતો અને મંજૂરીની પ્રક્રિયા પારદર્શક રીતે રજૂ થાય તેવી અપેક્ષા પણ વ્યક્ત થઈ રહી છે.


મનપાના સાંસ્કૃતિક વિકાસ વિભાગે જણાવ્યું છે કે સંબંધિત તમામ ખર્ચની જરૂરી મંજૂરી લેવામાં આવી છે અને મંજૂરીની તારીખ સહિતની વિગત અલગથી રજૂ કરવામાં આવી છે. આ જવાબ સાંસ્કૃતિક વિકાસ વિભાગના મેનેજર કૌશિકકુમાર ઉનાવાએ રજૂ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application