BREAKING NEWS

રાજકોટ મ્યુનિ.પ્લોટ શેરડીના સિચોડા, બરફ ગોલાના ધંધાર્થીઓને ભાડે આપવા 4 ફ્રેબ્રુઆરીએ હરરાજી

  • January 30, 2026 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા દ્વારા ટીપી સ્કીમોના પ્લોટ્સ શેરડીના રસના ચિચોડા અને બરફ ગોલાના ધંધાર્થીઓને ભાડે આપવા માટે આગામી તા.૪ ફેબ્રુઆરીના રોજ એસ્ટેટ બ્રાન્ચ ખાતે ઓપન હરરાજી રાખવામાં આવી છે, ગઇકાલ સુધી ટેન્ડર પ્રસિધ્ધ કરવાની વાતો કર્યા બાદ નિર્ણય તબદીલ કરી હવે હરરાજીથી ભાડે આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.


વિશેષમાં મ્યુનિ.એસ્ટેટ ઓફિસર મેહુલ ગાંધીના જણાવ્યા મુજબ, રાજકોટ મહાપાલિકાની માલિકીના વિવિધ ટી.પી. પ્લોટમાં ઉનાળાની સીઝન દરમ્યાન રસના સિચોડા તથા ગોલાના સીઝનલ વ્યવસાય માટે ગાળા ફાળવવા અંગેની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત નિયમો અને શરતો મુજબ અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. મહાનગરપાલિકાની આ વ્યવસ્થા હેઠળ તા.૬.૨.૨૦૨૬ થી તા.૧૫.૬.૨૦૨૬ સુધીનો સમયગાળો વ્યવસાય માટે નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળા કરતા ઓછા દિવસો માટે ગાળા ફાળવવામાં આવશે નહીં. જો નિર્ધારિત મુદત પૂર્ણ થયા બાદ સમયગાળો વધારવો હોય તો હરરાજીમાં બોલાયેલ ભાવ મુજબ જ વધારાની મુદત આપવામાં આવશે.


ગાળા ફાળવણી માટે અરજદારોએ તા.૪.૨.૨૦૨૬ના રોજ સાંજે ૪ કલાકે ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન ઓફિસ, કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે યોજાનારી જાહેર હરરાજીમાં હાજર રહી ભાગ લેવાનો રહેશે. હરરાજીમાં માત્ર તે જ અરજદાર અથવા પ્રતિનિધિ ભાગ લઈ શકશે, જેણે ગાળા દીઠ રૂ.૫૦૦૦ સિક્યુરીટી ડીપોઝીટ સીવીક સેન્ટરમાં ભરી તેની ઓરિજિનલ પહોંચ રજૂ કરી હશે.


મહાનગરપાલિકા દ્વારા ૧૦x૧૦ ચોરસ ફૂટના ગાળાની હરરાજી કરવામાં આવશે. એક ગાળાનું અપસેટ ભાડું રૂ. ૨૫૦ પ્રતિદિન નક્કી કરવામાં આવ્યું છે. હરરાજીમાં ભાગ લેનારોએ અપસેટ ભાવ કરતા વધુ બોલી બોલી શકશે, પરંતુ વધારાની બોલી રૂ.૧૦ના ગુણાંકમાં જ બોલવાની રહેશે.


ફાળવેલ ગાળાની પાછળ જગ્યા ઉપલબ્ધ હોય તો તે જ સ્ટોલ માટે વધારાની જગ્યા, હરરાજીમાં મંજૂર થયેલ ભાવે ફાળવવામાં આવશે. તમામ ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ સ્કેચ મુજબ ક્રમશઃ ગાળાની ફાળવણી કરવામાં આવશે અને અરજદારે તે જ ક્રમ મુજબ ગાળા ઉભા કરવાના રહેશે.


હરરાજીમાં સફળ રહેનાર ગાળા ધારકોએ દ્વી-માસિક ભાડાની રકમ એકસાથે ચૂકવવાની રહેશે. જો કોઈ અરજદાર સમયમર્યાદામાં ભાડાની રકમ અથવા ડીપોઝીટ ભરપાઈ નહીં કરે કે ફાળવેલ ગાળો સ્વીકારશે નહીં, તો તેની સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે તેમજ સંબંધિત અરજદારને રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૩ વર્ષ માટે ડીબાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


વીજ કનેકશન બાબતે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે, જો સ્ટોલ ધારક સ્થળ પર વીજ કનેકશન લેવાનું ઇચ્છે તો તેને પીજીવીસીએલના નિયમો મુજબ જરૂરી વીજ સુરક્ષા ઉપકરણો ફરજિયાત રીતે લગાવવાના રહેશે. વીજ શોકથી કોઈપણ પ્રકારની ઇજા, નુકશાન કે જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સ્ટોલ ધારકની રહેશે.


રાજકોટ મહાનગરપાલિકાના મંડપ તથા ગાળા ફાળવણી અંગેના તમામ નીતિ-નિયમો અને શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે. હરરાજી કે ફાળવણી સંબંધિત કોઈપણ પ્રશ્ન અથવા વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય આખરી અને તમામ માટે બંધનકર્તા રહેશે.


મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફક્ત સીઝનલ વ્યવસાય માટે જ ગાળા ફાળવવામાં આવે છે અને આ સિવાય અન્ય કોઈ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application