પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને પાર્સલ પરિવહન ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરીને એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ડિવિઝને ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પાર્સલ પરિવહન દ્વારા એક જ દિવસમાં રૂ.૧૧.૦૧ લાખની આવક મેળવીને અત્યાર સુધીની સૌથી વધુ એકદિવસીય આવકનો નવો તખ્તો તૈયાર કર્યો છે. આ અગાઉ ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ ₹૯.૫૦ લાખની એકદિવસીય પાર્સલ આવકનો રેકોર્ડ નોંધાયો હતો, જેને રાજકોટ ડિવિઝને મોટા અંતરથી પાછળ છોડી દીધો છે.
પારીઓને જોડવા સતત પ્રયાસોનું પરિણામ
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, ડિવિઝન દ્વારા પાર્સલ પરિવહનને વેગ આપવા અને વધુમાં વધુ સ્થાનિક તથા પ્રાદેશિક વેપારીઓને રેલવે સાથે જોડવા માટે સતત સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વેપારીઓની જરૂરિયાતો અનુસાર સેવાઓમાં સુધારો કરીને માલ પરિવહનને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવામાં આવ્યું છે.
વિવિધ ઉત્પાદનોનું મોટાપાયે પરિવહન
આ સુવિધાઓના પરિણામે રાજકોટથી વિવિધ ચીજવસ્તુઓનું મોટાપાયે પરિવહન થઈ રહ્યું છે. જેમાં મુખ્યત્વે રાજકોટની પ્રખ્યાત આર્ટિફિશિયલ જ્વેલરી (ઇમિટેશન જ્વેલરી), ઘરવખરીનો સામાન, પિત્તળના પાર્ટ્સ (બ્રાસ પાર્ટ્સ), ઓટોમોબાઇલ પાર્ટ્સ, કાપડની સામગ્રી, શાકભાજી અને ફળો તેમજ ઝડપથી બગડી જતી પેરીશેબલ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. વેપારીઓનો રેલવે સેવામાં વિશ્વાસ સતત વધી રહ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં રૂ. ૮.૪૪ કરોડથી વધુની આવક
રાજકોટ ડિવિઝને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ૧ એપ્રિલ, ૨૦૨૬થી ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ સુધીના સમયગાળામાં અદભુત કામગીરી દર્શાવી છે. આ ૭ મહિનામાં ડિવિઝન દ્વારા કુલ ૨,૩૪,૩૬૭.૫ ક્વિન્ટલ માલનું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું હતું, જેનાથી રેલવેને રૂ. ૮,૪૪,૪૪,૮૫૫ (આશરે ₹૮.૪૪ કરોડ) ની માલભાડાની આવક પ્રાપ્ત થઈ છે.
અધિકારીઓ અને ટીમ ભાવનાને બિરદાવાઈ
આ નોંધપાત્ર અને ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ વાણિજ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સફળતા કર્મચારીઓની નિષ્ઠા, ક્ષમતા અને સામૂહિક ટીમ વર્કનું પરિણામ છે. આગામી સમયમાં પણ રેલવેની આવકમાં સતત વૃદ્ધિ માટે આવા શ્રેષ્ઠ પ્રયાસો ચાલુ રહેશે.