BREAKING NEWS

રાજકોટ રેલવે ડિવિઝનની ગૂડ્ઝ આવકમાં 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જાણો કેટલા કરોડની કમાણી કરી

  • April 02, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને કમાણીની દૃષ્ટિએ સતત નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા હોય તેમ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કુલ રૂ. 2711.06 કરોડની નોંધપાત્ર વાર્ષિક આવક મેળવી હોવાનું ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું. આ આવક નાણાકીય વર્ષ 2024-25ની વાર્ષિક આવક રૂ. 2455.94 કરોડની સરખામણીમાં 10.43 % એટલે કે રૂ. 255.12 કરોડ વધુ છે.


રાજકોટ રેલવે ડિવિઝનની ૨૫-૨૬ની કુલ રૂ. 2711.06 કરોડની આવકમાં ગુડ્ઝ ટ્રેન મારફતે માલ સામાનના લોડિંગ (માલભાડાં)માંથી સૌથી વધુ રૂ. 2238.34 કરોડ, મુસાફરોની આવકમાંથી રૂ. 437.43 કરોડ અને પાર્સલ સહિત અન્ય સ્ત્રોતોમાંથી રૂ.35.09 કરોડનું યોગદાન રહ્યું છે.


રાજકોટ ડિવિઝને ગુડ્સ ટ્રેન મારફતે માલ સામાનના લોડિંગ ક્ષેત્રમાં છેલ્લા 11 વર્ષના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. આ માધ્યમથી પ્રાપ્ત થયેલ રૂ. 2238.34 કરોડની આવક ગયા વર્ષના રૂ. 2027.27 કરોડની સરખામણીમાં 10.41% (રૂ. 211.07 કરોડ) વધુ છે. તેવી જ રીતે, ડિવિઝને આ વર્ષે 11.95 મિલિયન ટન માલ સામાનનું લોડિંગ કર્યું છે, જે ગયા વર્ષના 10.81 મિલિયન ટન કરતા 10.60% વધુ છે. સંચાલન ક્ષમતાનો પુરાવો આપતા ડિવિઝને દરરોજ સરેરાશ 574 વેગનનું લોડિંગ કર્યું છે, જે ગયા વર્ષની 522 વેગનની સરેરાશ કરતા 10% વધુ છે.


આ ઉપરાંત, ટ્રેનોના સમયસર સંચાલનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડિવિઝને 95.23% સમયપાલન (પંક્ચ્યુઆલિટી) હાંસલ કરેલ છે.

ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ આ ગૌરવશાળી સિદ્ધિનું શ્રેય વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ટીમ વર્ક, સખત મહેનત અને નિષ્ઠાને આપ્યું છે.


મુસાફરોની સંખ્યામાં ૧૫.૯૪ ટકા વધારા સાથે રૂ. 437.43 કરોડ આવક

રાજકોટ ડિવિઝને મુસાફરોની સુવિધા અને આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. જેમાં નાણાકીય વર્ષ 2025-26માં રૂ. 437.43 કરોડની મુસાફર આવક મેળવી છે, જે ગયા વર્ષના રૂ. 398.48 કરોડની સરખામણીમાં 9.77% (રૂ. 38.95 કરોડ) વધુ છે. મુસાફરોની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે; આ વર્ષે આશરે 1.30 કરોડ મુસાફરોએ રાજકોટ ડિવિઝનમાંથી મુસાફરી કરી છે, જે ગયા વર્ષના 1.12 કરોડ મુસાફરોની સરખામણીમાં 15.94% નો વધારો દર્શાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application