BREAKING NEWS

લક્ઝરી ફોર્ચ્યુન કારમાં હથિયારોની હેરાફેરીઃ રાજકોટ રેન્જ પોલીસે બે દેશી પિસ્ટલ, 3 જીવતા કારતુસ સાથે બેને દબોચ્યા

  • July 19, 2026 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાંથી ગેરકાયદેસર અને વગર લાયસન્સના હથિયારોની હેરાફેરી કરતું એક મોટું નેટવર્ક ઝડપી પાડવામાં રાજકોટ રેન્જ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોટીલા-આણંદપુર રોડ પરથી એક લક્ઝરી ફોર્ચ્યુનર કારમાંથી દેશી બનાવટની બે પિસ્ટલ અને ત્રણ જીવતા કારતુસ સાથે એક શખ્સને દબોચી લીધો છે. આ સાથે જ હથિયાર સપ્લાય કરનાર અન્ય એક આરોપી સહિત બંને વિરુદ્ધ ગુનો નોંધી કુલ રૂ.૨૦,૮૦,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની કડક સૂચના

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના તમામ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત જળવાઈ રહે, નાગરિકોના જાન-માલનું રક્ષણ થાય અને કોઈ પણ અનિચ્છનીય ગુનાહિત ઘટના ન બને તે માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગેરકાયદેસર અને લાયસન્સ વગરના ઘાતક હથિયારો રાખતા તેમજ તેની હેરાફેરી કરતા ઇસમોને શોધી કાઢી કડક પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશ અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંતેલીયા અને સ્ટાફની ટીમો હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરીને તપાસ ચલાવી રહી હતી.


માહિ ડેરી પાસે ફોર્ચ્યુનર કારમાંથી ઝડપાયા હથિયારો

આ વોચ દરમિયાન સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિલીપસિંહ સિંધવ અને ફતેસંગ પરમારને એક ચોક્કસ અને મજબૂત હકીકત મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઈ બી.સી. મિયાત્રા, સ્ટાફના વકારભાઈ અરબ અને ડ્રાઈવર ગોવિંદભાઈ રબારીએ ચોટીલા-આણંદપુર રોડ પર આવેલી માહિ દૂધની ડેરી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક સફેદ રંગની ટોયોટા ફોર્ચ્યુનર કારને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન તેમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની ૨ નંગ પિસ્ટલ, ૩ નંગ જીવતા કારતુસ અને એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા.


હથિયાર વેચનાર સપ્લાયર સહિત બંને સામે ગુનો દાખલ

પોલીસે આ ગેરકાયદેસર હથિયારો સાથે કાર ચાલક નૃપેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પટગીર (રહે. ઉમિયાનગર સોસાયટી, ચોટીલા, મૂળ રહે. ખાચરવાડી, તા. ગઢડા, જી. બોટાદ) ની સ્થળ પર જ ધોરણસર ધરપકડ કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ હથિયારો અને કારતુસ તેને જયસુખભાઈ ઉર્ફે જેસો કોળી (રહે. બોઘરાવદર, તા. જસદણ, જી. રાજકોટ) નામના શખ્સે વેચ્યા હતા. રાજકોટ રેન્જ પોલીસે આ હથિયાર ખરીદનાર અને વેચનાર બંને આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવીને આગળની તપાસ તેજ કરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application