ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ ડિવિઝનના નવનિયુક્ત વિભાગીય નિયામક એમ.પી.રાજએ સપાટો બોલાવ્યો છે, કડક ચેકિંગના આદેશો જારી કર્યા છે. એસટી બસના મુસાફરો છીનવી જતા ૧૦૯ જેટલા ખાનગી વાહનો ડિટેઇન કરી દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઇ છે.
રાજકોટ એસટી ડિવિઝનની લાઇન ચેકીંગ સ્ક્વોડ દ્વારા કરાયેલા ચેકિંગમાં ચાર બસના કંડકટર મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ નહીં આપી ઉચાપત કરતા હોવાનું ધ્યાને આવતા ચારેયને સસ્પેન્ડ કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે ટિકિટ વિના મુસાફરી કરતા ઝડપાયેલા ૨૪ મુસાફરો પાસેથી કુલ રૂ.૧૧, ૮૮૭ના દંડની વસૂલાત કરાઇ હતી. આ ઉપરાંત વિવિધ પ્રકારના નિયમભંગ, ગેરશિસ્ત અને અનિયમિતતાઓ અંગેના કેસ સહિત સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન કુલ ૧૦૦ કેસ કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે સી.ઓ.ચેકિંગ અને નો પાર્કિંગ ઝોનના ભંગ અંગેના ચેકિંગ દરમિયાન કુલ ૧૦૯ ખાનગી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. એસટી બસ સ્ટેશન તેમજ વિવિધ બસ સ્ટોપ અને શહેરના એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ ઉપર એસટી બસની રાહ જોઈ ઉભેલા મુસાફરોને નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરીને છીનવતા ખાનગી વાહનચાલકોની ઈકો કાર, તુફાન જીપ, સિટી રાઇડ, મીની બસ, ખાનગી ટ્રાવેલ્સની મોટી બસ સહિતના કુલ ૧૦૯ વાહનો જપ્ત કરી સ્થળ ઉપર ૩,૧૬,૪૦૦નો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ૨૮ વાહનોને આરટીઓ મેમો અને ૧૮૬ને પોલીસ મેમો આપવામાં આવ્યા હતા. ડિટેઇન વાહનોને રૂ.૩,૮૬,૮૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.