રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લગ્નગાળો ચાલી રહ્યો છે ત્યારે આ દિવસો દરમિયાન એસટી બસમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની એસટી બસની દૈનિક આવક 60 લાખથી વધીને 70 લાખ અને પાર પહોંચી ગઈ છે જ્યારે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ આવક રૂ.5.74 કરોડ થઈ છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા હાલ 445 જેટલી બસોમાં દૈનિક 22,000 થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે હવે 11 મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તેમાં 30 એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. જેથી આગામી અઠવાડિયામાં પણ સલામત સવારી ગણાતી સરકારી એસટી બસમાં મુસાફરોનો ધસારો વધતા આવક સવા ગણી વધવાનો અંદાજ છે. આ ઉપરાંત હાલ 35 જેટલી લગ્ન સ્પેશિયલ બસ પણ દોડી રહી છે.
રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર એચ.આર.કટારાએ દિવ્યભાસ્કર ડિજિટલ ને જણાવ્યું કે, લગ્નની સિઝન રાજકોટ એસટી વિભાગને ફળી છે. દૈનિક આવક રૂ. 71 લાખ તો એક અઠવાડિયાની આવક પોણા છ કરોડ થઈ છે. જેમાં રાજકોટ ડેપોની સૌથી વધુ રૂ.97 લાખ ગોંડલ ડેપોની રૂ.87.65 લાખ થઈ છે. જ્યારે વોલ્વો થકી રૂ.72.84 લાખની આવક થઈ છે. છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રભરમાં લગ્ન ગાળાની સીઝન પુરબહારમાં ખીલી છે જેનો સીધો લાભ એસટી વિભાગને પણ થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ બસ પોર્ટ સહિત વિભાગના તમામ ડેપો ઉપર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેથી રાજકોટ એસટી વિભાગની આવકમાં પણ નોંધપાત્ર ઉછાળો થવા પામ્યો છે.
લગ્નગાળાની સીઝનના પગલે રાજકોટથી અમદાવાદ, જામનગર, જુનાગઢ, ભાવનગર અને અમરેલી સહિતના જુદા જુદા રૂટોની બસો ચીકકાર દોડી રહી છે. એસટી વિભાગના સુત્રો અનુસાર ખાસ કરીને રાજકોટની આસપાસના ગ્રામ્ય રૂટોની બસોમાં લગ્નગાળાનો ટ્રાફીક વધુ દેખાઈ રહ્યો છે તો લાંબા રૂટોની બસોમાં પણ એડવાન્સ બુકિંગનો ધસારો છે. હવે 11 થી 15 ફેબ્રુઆરી જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો હોવાથી રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. જેનાથી વધુમાં વધુ મુસાફરો અને શ્રદ્ધાળુઓ સલામત અને સસ્તી ગણાતી એસટી બસમાં સફર કરી શકશે.