રાજકોટની ચર્ચિત 'તન્વી ગોલ્ડ' રિફાઇનરીમાં થયેલી દિલધડક લૂંટ વિથ મર્ડરની ઘટનામાં એક ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે. આ ચકચારી લૂંટકાંડ દરમિયાન ગોળીબાર કરનાર મુખ્ય શૂટર અનુરાગ સિંહ રાજપૂતને જ્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પંચનામું કરવા અને પુરાવા એકત્ર કરવા માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ કાફલા પર અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપી અનુરાગે ઘટનાસ્થળે છુપાવી રાખેલા અન્ય એક હથિયાર વડે પોલીસ જવાનો પર તાકીને બે રાઉન્ડ ધડાધડ ફાયરિંગ શરૂ કરી દેતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસ ટીમ પર અચાનક થયેલા આ ગોળીબાર બાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ (PSI) વનરાજસિંહ ડોડીયાએ સમયસૂચકતા અને અદભુત હિંમત દાખવીને સ્વબચાવમાં તાત્કાલિક વળતું ફાયરિંગ કર્યું હતું. પીએસઆઈ દ્વારા ચલાવવામાં આવેલી ગોળી આરોપી અનુરાગના પગમાં વાગતાં તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસે તેને તુરંત જ કાબૂમાં લઈ લીધો હતો. પગમાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આરોપી અનુરાગને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના અંગે રાજકોટ ઝોન-2 ના નાયબ પોલીસ કમિશનર (DCP) રાકેશ દેસાઈએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ લૂંટ અને હત્યાની ગંભીર ઘટનાની તપાસ ડીસીબી (DCB) પોલીસ સ્ટેશન અંતર્ગત ચાલી રહી છે. તપાસના ભાગરૂપે પીએસઆઈ ડોડીયાની ટીમ આરોપી અનુરાગસિંહ રાજપૂતને લઈને ગુનામાં વપરાયેલ હથિયાર શોધી કાઢવા માટે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આર.કે. ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગઈ હતી. આ દરમિયાન આરોપીએ પહેલાથી છુપાવેલું બીજું હથિયાર કાઢીને પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જેના પ્રતિકાર રૂપે પીએસઆઈ ડોડીયાએ બહાદુરીપૂર્વક સામનો કરીને આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેથી તે ઘાયલ થયો હતો. આ સમગ્ર બનાવ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કાયદાકીય કલમો મુજબ અલગથી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પોલીસકર્મીને ઈજા થઈ નથી.