BREAKING NEWS

રાજકોટના કોર્પોરેટરે ખરીદી અધધ... 15 લાખની લક્ઝરી બાઇક, VVIP નંબર માટે પણ ખર્ચ્યા લાખો રૂપિયા, જાણો વિગતે

  • January 20, 2026 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર મકબૂલભાઈ દાઉદાણી હાલમાં ભારે ચર્ચામાં છે. સામાન્ય રીતે નેતાઓ લક્ઝરી કારમાં ફરતા જોવા મળતા હોય છે, પરંતુ મકબૂલભાઈએ પોતાની પસંદગી કંઈક અલગ જ રીતે દર્શાવી છે. તેઓએ તાજેતરમાં BMW GT મોડલની એક શાનદાર બાઈક ખરીદી છે, જેની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.


વીવીઆઈપી નંબર માટે ખર્ચ્યા લાખો

માત્ર મોંઘી બાઈક જ નહીં, પણ તેના નંબર પ્લેટ માટે પણ કોર્પોરેટરે દિલ ખોલીને ખર્ચ કર્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં મકબૂલભાઈએ જણાવ્યું હતું કે, બાઈકની કિંમત 15 લાખ છે અને તેના વીવીઆઈપી નંબર માટે તેમણે અલગથી 1.85 લાખ રૂપિયા ચૂકવ્યા છે. આમ, કુલ 17 લાખ જેટલો ખર્ચ તેમણે આ લક્ઝરી સવારી પાછળ કર્યો છે.


કાર કરતા બાઈકનો વધુ શોખ

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી મોંઘી બાઈક શા માટે? ત્યારે તેમણે હસતા મુખે જવાબ આપ્યો હતો કે, "મને ફોર-વ્હીલર (કાર) કરતા ટુ-વ્હીલર (બાઈક) ચલાવવાનો વધુ શોખ છે. રાજકોટમાં આ પ્રકારની કદાચ પ્રથમ બાઈક છે.


જનતાના પ્રશ્નો અને વિરોધ પક્ષની ભૂમિકા

જોકે, આ લક્ઝરી બાઈક પર સવાર થઈને તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જનતાના પ્રશ્નો રજૂ કરવા પહોંચ્યા હતા. વિપક્ષમાં હોવાથી તેમણે ભ્રષ્ટ ટીપી (TP) શાખા સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "બાઈક મારો વ્યક્તિગત શોખ છે, પરંતુ જનતાના પ્રશ્નો માટે અમે હંમેશા મજબૂત રીતે લડતા રહીશું. ભ્રષ્ટ અધિકારીઓ સામે અમારો વિરોધ ચાલુ રહેશે."


શું છે મકબૂલભાઈનો વ્યવસાય?

લોકોમાં ચર્ચા હતી કે આટલી મોંઘી બાઈક માટે ભંડોળ ક્યાંથી આવ્યું? તેના જવાબમાં તેમણે પારદર્શિતા સાથે જણાવ્યું કે તેઓ અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા છે. જેમાં લેબર કોન્ટ્રાક્ટ (મજૂર કોન્ટ્રાક્ટ), કેબલ અને ડીશ કનેક્શનનો વ્યવસાય, ડેરી અને સ્ટીલ કંપનીઓમાં લેબર સપ્લાયના કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે. આમ, રાજકોટના આ કોર્પોરેટર અત્યારે પોતાના શોખ અને આક્રમક તેવરને કારણે સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application