પડધરીના ન્યારા ગામે રાજકોટની ગેંગનો આતંક: વેપારી બંધુ પર જીવલેણ હુમલાનો મામલો
પડધરીના ન્યારા ગામે રાત્રે રાજકોટ ટોળકીએ હથિયારો સાથે આતકં મચાવ્યો હતો. વેપારીએ દુકાન પાસે ગાળો બોલી રહેલા શખસોને ટપારતા ઉશ્કેરાઇ વેપારી બંધુને છરીના ઘા ઝીંકી દીધા હતાં. એટલું જ નહીં છુટા સોડા બોટલના ઘા કરી રીતસર ગુંડાગીરી કરી હતી. બનાવ અંગે વેપારીની ફરિયાદ પરથી પડધરી પોલીસે સાત શખસો સામે રાયોટ, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
પડધરીના ન્યારા ગામે ગ્રામ પંચાયત પાસે રહેતા અરવિંદભાઈ કેશુભાઈ વઘેરા (ઉ.વ.૩૧) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યસ રમેશ મકવાણા (રહે.મૂળ ગામ નાની અમરેલી, પડધરી), સમીર ગોહિલ, પૃથ્વીરાજ પરમાર (રહે. બંને રાજકોટ), મનોજ નાથા મકવાણા (રહે ન્યારા ગામ), દિલીપ સોહેલીયા (રહે.રાજકોટ) તેમજ બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યા મુજબ, તે ઘરની બાજુમાં જ પાન–મસાલાની દુકાન ચલાવે છે અને સાથે સાથે એક અખબાર પણ ચલાવે છે. ગઈ તા.૨૯ ના રાત્રીના સમયે તેઓ દુકાનેથી પોતાના ઘરે જમવા માટે આવ્યાં હતાં. તે સમયે તેમના પિતા અને ભાઈ લાલજીભાઈ દુકાને હતાં. તે દરમિયાન એક બાઈક ચાલક દુકાને કોઈ વસ્તુ લેવાં માટે આવેલ ત્યારે તેની પાછળ તુરતં જ એક બાઈક સવાર ઘસી આવેલ અને બેફામ ગાળો બોલી ધમાલ મચાવી હતી. જેથી દેકારો થતાં ફરીયાદી તુરતં જ ઘરની બહાર નીકળી માથાકૂટ કરતાં શખસોને અટકાવી ગાળો નહીં બોલવા ટપારતા તે શખસો ઉશ્કેરાયા હતાં અને હમણાં જ રાજકોટથી માણસો બોલાવી લાવું છું કહી તે શખસો ત્યાંથી નાસી છૂટા હતાં.
જે બાદ સવા અગીયાર વાગ્યે ફરીયાદી તેના પરીવાર સાથે ઘર પાસે હતાં ત્યારે આરોપી યશ મકવાણા સહિતના શખસો બાઈકમાં છરી, ધોકા, સોડા બોટલ સહિતના હથિયારો સાથે ઘસી આવેલ અને જીવલેણ હત્પમલો કરી દીધો હતો. આરોપીઓએ ફરીયાદી અને તેમના ભાઈને છરીના ઘા ઝીંકી ધોકા વડે બેફામ મારમાર્યેા હતો. તેમજ ખાલી સોડા બોટલના છુટા ઘા કરી ફરીયાદી અને તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી પડધરી પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ એમ.જી.ચૌહાણ અને ટીમે આતકં મચાવનાર આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, આરોપી યશ મકવાણા કુખ્યાત ગુજસીટોકનો આરોપી રમેશ રાણાનો પુત્ર છે.