રાજકોટમાં ફેસબુકમાં આવેલી યુવતીની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારતા કારખાનેદારે રૂ.૪૦.૭૮ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. ક્રિપ્ટો કરંસીમાં રોકાણના બહાને કારખાનેદરાને જાળમાં ફસાવી તેમની પાસેથી માતબર રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. કારખાનેદારને વોલેટમાં ડોલરમાં પ્રોફિટ દર્શાવ્યો હતો. જે રકમ વિડ્રો કરવા જતા અલગ અલગ ચાર્જ માંગી રકમ ન આપતા કારખાનેદારને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. જેથી તેમણે આ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના જિલ્લાના ગોલીડા (હડમતીયા) માં રહેતા ભાવેશભાઈ ધિરજલાલ આટકોટીયા (ઉ.વ.૪૩) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વોટ્સએપ નં.૮૭૧૪૭૪૯૯૭૨, ૭૦૧૯૫૮૨૧૯૨ ના ધારકનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કુવાડવા જીઆઇડીસી ખાતે આટકોટીયા એગ્રો ટેક્નોલોજી નામે કંપની ચલાવી એગ્રીકલ્ચર પેસ્ટિસાઈડ દવાઓ બનાવવાનો તથા વેચાણનો વ્યવસાય છે. તા.૦૧/૧૦/૨૦૨૫ ના તેઓ કંપની પર હતાં ત્યારે તેમના ફેસબુક એકાઉન્ટ પર શ્રીષ્ટી કી નામની મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે તેઓએ સ્વીકારેલી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. તેણે પોતાનો વોટ્સએપ નંબર આપ્યો, જેમાં બંને વચ્ચે નિયમિત વાતચીત થતી હતી.
તા.૧૫/૧૦ ના તેણીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓએ શરૂઆતમાં ના પાડી હતી. થોડા દિવસ બાદ ફરી તેણે રોકાણ કરવા જણાવ્યું હતું. તેના કહેવા મુજબ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું. બાદમાં યુવતીએ બલબીર સિંઘ નામના વ્યક્તિનો વોટ્સએપ નંબર આપ્યો અને જણાવ્યું કે, તે વ્યક્તિ ટ્રેડિંગ કરાવનાર છે તથા ટ્રેડ કંપનીનો કર્મચારી છે. બલબીર સિંઘે તેઓને વે ઓફ સક્સેસ નામના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો, જેમાં ટ્રેડિંગ માટે ટીપ્સ આપવામાં આવતી હતી. બાદ તેઓના જણાવ્યા મુજબ ફરીયાદીએ વેબસાઈટ પર ટ્રેડિંગ કરી ક્રિપ્ટો ખરીદવા માટે સામે વાળાએ જણાવેલ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.૪૦,૭૮,૦૪૨ જમા કરાવ્યા હતા.
બાદમાં તેઓ હવે વે ઓફ સક્સેસ ગ્રૂપમાં આપેલી ટ્રેડિંગ ટીપ્સ મુજબ ટ્રેડિંગ કરતાં હતાં. વેબસાઈટ ૫૨ દર્શાવેલી વોલેટ બેલેન્સ ૧૩૭,૧૭૪ ડોલર બતાવતી હતી. પરંતુ જ્યારે આ રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રકમ ઉપાડવા દેવામાં આવી ન હતી. વિવિધ ચાર્જ, ટેક્સ, વેરિફિકેશન ફી વગેરેના બહાના કરી વધુ રકમ જમા કરાવવાની માગણી કરવામાં આવી હતી. જેથી છેતરપિંડી થયાનો અહેસાસ થતા સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો છે. આ અંગે વધુ તપાસ પીઆઈ એસ.ડી.ગિલવા તથા ટીમ ચલાવી રહી છે.