BREAKING NEWS

રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન; ૬૩૫૩ લગ્નોત્સવ થયા

  • November 18, 2025 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રવાસીઓ માટે રાજકોટ શહેર બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બની રહ્યું છે, રાજકોટ શહેરમાં ચાલુ વર્ષ ૨૦૨૫માં આજ સુધીમાં યોજાયેલા કુલ ૬૩૫૩ લગ્ન મહાપાલિકાના લગ્ન નોંધણી વિભાગમાં રજિસ્ટર્ડ થયા છે, અલબત્ત આથી વધુ લગ્ન સમારોહ પણ યોજાયા હોય અને હજુ સુધી રજિસ્ટ્રેશન માટે એપ્લાઇ ન થયા હોય તેવું બનવા સંભવ છે. હાલ ધૂમ લગ્નગાળા વચ્ચે આગામી બે મહિના સુધી લગભગ તમામ મ્યુનિ.કોમ્યુનિટી હોલ બુક થઇ ગયા છે તેમજ મહાપાલિકાના લગ્ન નોંધણી વિભાગમાંથી મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા અરજદારોનો ધસારો જોવા મળી રહ્યો છે.

રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે જન્મ નોંધણી અને મરણ નોંધણીની જેમ જ લગ્ન નોંધણી કરાવવી પણ ફરજિયાત છે, તેમણે ઉમેર્યું હતું કે અગાઉના વર્ષોની તુલનાએ હવે નાગરિકોમાં જાગૃતિ આવી છે અને લગ્ન બાદ તુરંત નોંધણી માટે અરજી કરતા થયા છે. હાલમાં આવતી અરજીઓમાં લગભગ ૯૦ ટકા અરજી ચાલુ વર્ષમાં લગ્ન થયા હોય તેવી જ હોય છે. ૨૦૨૫માં જાન્યુઆરીથી નવેમ્બર માસમાં આજ સુધીમાં કુલ ૬૩૫૩ લગ્ન રજિસ્ટર્ડ થયા છે. ગત વર્ષ ૨૦૨૪માં તા.૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર સુધીમાં ૭૨૬૭ લગ્ન રજિસ્ટર્ડ થયા હતા.

રાજકોટ મહાપાલિકાના એસ્ટેટ ઓફિસર મેહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હાલમાં ધૂમ લગ્નગાળો હોય નવેમ્બરથી જાન્યુઆરી મહિનાના પ્રથમ પખવાડિયા સુધી લગભગ તમામ કોમ્યુનિટી હોલ બુક થયા છે અને હોલ બુકિંગની સંપૂર્ણ વ્યવસ્થા હવે છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન હોય અરજદારોને કચેરી સુધી આવવું પડતું નથી અને સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બની છે.


વર્ષ-૨૦૨૫માં રજિસ્ટર્ડ થયેલા લગ્ન

મહિનો----લગ્ન

જાન્યુઆરી ૬૮૩

ફેબ્રુઆરી ૫૮૬

માર્ચ ૮૦૮

એપ્રિલ ૭૪૦

મે ૭૭૮

જૂન ૭૧૪

જુલાઇ ૭૪૧

ઓગસ્ટ ૪૧૭

સપ્ટેમ્બર ૪૦૨

ઓક્ટોબર ૨૯૧

નવેમ્બર ૧૯૩ (આજ સુધીની સ્થિતિએ)

કુલ ૬૩૫૩


૨૦૨૪માં ૧૦૨, ૨૦૨૫માં ૮૪ અરજી રિજેક્ટ

રાજકોટ મહાપાલિકામાં થતી લગ્ન નોંધણીની દરેક અરજી તેમજ અરજી સાથે જોડેલા તમામ ડોક્યુમેન્ટ્સની ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતી હોય છે. ડોક્યુમેન્ટ શંકાસ્પદ જણાય તો ખરાઇ માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે નવદંપતીને રૂબરૂ બોલાવવામાં આવતા હોય છે. આ પ્રકારે ગત વર્ષ ૨૦૨૪માં ૧૦૨ અને ચાલુ વર્ષ ૨૦૨૫માં હાલ સુધીમાં ૮૪ અરજી રિજેક્ટ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application