BREAKING NEWS

રાજયભરમાં દારૂનુ નેટવર્ક ધરાવતા રાજકોટના કુખ્યાત બુટલેગર ધવલ સાવલીયાને પાસા

  • October 16, 2025 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, મોરબી, સુરેન્દ્રનગર,વડોદરા જિલ્લામાં દારૂનુ નેટવર્ક ધરાવનાર રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા કુખ્યાત બુટલેગર ધવલ સાવલીયા સામે રાજકોટ જિલ્લા કલેકટરે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે વોરંટની બજવણી કરી આરોપીને વડોદરા જેલહવાલે કરી દીધો હતો. દિવાળીના તહેવાર પૂર્વે જ નામચીન બુટલેગરને પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જળવાઇ રહે તે માટે ગુંડા અને સમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા દારૂ-જુગાર, શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ, ગેરકાયદે ખનન, વારંવાર ગુના આચરનાર શખસો સામે પાસાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ચાલુ વર્ષે જ રૂરલ એલસીબીની ટીમે ભાયાવદરમાંથી ધવલ સાવલીયાનો મોટો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તે જ દિવસે વ્હેલી સવારમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ધવલ સાવલીયાનો દારૂ ભરેલ ટ્રક જસદણમાંથી પકડી પાડ્યો હતો. આ ઉપરાંત ધવલ સાવલીયા સામે રાજકોટ ગ્રામ્ય, રાજકોટ શહેર, મોરબી, સુરેન્દ્રનગર,વડોદરા જિલ્લામાં દારૂના કેસ હોય રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલે આરોપી ધવલ સાવલીયા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી રાજકોટ જિલ્લા કલેકટરને મોકલતા કલેકટર ડો. ઓમપ્રકાશે દરખાસ્ત પર મંજુરીની મહોર લગાવી આરોપી સામે પાાસનું વોરંટ ઇશ્યુ કર્યું હતું.

એલસીબીના પીએસઆઇ એચ.સી.ગોહિલ અને વી.આર.ભીમાણીની રાહબરીમાં ટીમે વોરંટની બજવણી કરી આરોપી ધવલ રસીકભાઇ સાવલીયા(ઉ.વ ૩૧ રહે. કોઠારીયા મેઇન રોડ, સાંઇબાબા સર્કલ વાળો રોડ, જે.કે.એપાર્ટમેન્ટ ત્રીજા માળે ભાડેથી રાજકોટ, મૂળ નાગડકા તા. ગોંડલ) ની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી આરોપીને જાપ્તા સાથે વડોદરા જેલહવાલે કર્યો હતો. આ કામગીરીમાં એલસીબીના એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, હેડ કોન્સ. રાજુભાઇ શામળા, મનોજભાઇ બાયલ, રસીકભાઇ જમોડ, ધનશ્યામસિંહ જાડેજા, હિતેષભાઇ હમીરપરા તથા કોન્સ. અબ્બાસભાઇ ભારમલ, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, અનિરૂધ્ધસિંહ જાડેજા, દિલિપસિંહ જાડેજા, અબ્દુલભાઇ શેખ સાથે રહ્યા હતાં.



ધવલ સાવલીયા સામે અલગ- અલગ જિલ્લામાં ૨૮ ગુના

કુખ્યાત બુટલેગર ધવલ સાવલીયા સામે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા ઉપરાંત વડોદરામાં મળી દારૂના ૨૮ ગુના નોંધાઇ ચૂકયા છે. જેમાં મોરબીના વાંકાનેર, ટંકારા, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા, ગોંડલ સિટી, લોધિકા,જસદણ, ભાયવદર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, રાજકોટ શહેરના આજીડેમ, ડીસીબી, પ્ર.નગર,વડોદરા જિલ્લામાં અને રાજસ્થાનના સિંહોરી જિલ્લાના પાલડીમાં દારૂના મળી કુલ ૨૮ ગુના નોંધાઇ ચૂકયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application