BREAKING NEWS

19,000 કિમી અંતર ખેડી રાજકોટના રાઇડર્સ જીવાભાઈ અને એહમદભાઈ પહોંચશે લંડન, 20 દેશો ખુંદી વળશે

  • May 29, 2026 07:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના બે સાહસિક બાઇક રાઇડર્સે એક એવો નિર્ણય કર્યો છે જે જાણીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. રાજકોટના જીવાભાઈ પરમાર અને એહમદ ચાવડા નામના બે મિત્રો પોતાના બાઇક પર સવાર થઈને લંડન સુધી 19,000 કિલોમીટરની લાંબી અને રોમાંચક સફરે નીકળવાના છે. સામાન્ય રીતે લોકો લંડન જવા માટે ફ્લાઇટ પસંદ કરતા હોય છે, પરંતુ આ બે રાઇડર્સે ભારતથી છેક યુનાઇટેડ કિંગડમ (યુ.કે.) સુધીનું હજારો કિલોમીટરનું અંતર બાઇક દ્વારા કાપવાનું નક્કી કરીને નવો ઇતિહાસ રચવા તરફ કદમ વધાર્યા છે.


20 દેશોની લાંબી આંતરરાષ્ટ્રીય યાત્રા કરશે

આ અદ્ભુત અને પડકારજનક સફર કોઈ નાની-સૂની યાત્રા નથી. બંને રાઇડર્સ કુલ ૪૯ દિવસ સુધી સતત બાઇક પર સવારી કરીને લંડન પહોંચશે. આ ૪૯ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટથી નીકળીને નેપાળ, તિબેટ, ચાઇના, કઝાકિસ્તાન, રશિયા, જ્યોર્જિયા, ટર્કી, બેલગ્રેડ, બુડાપેસ્ટ, ચેક રિપબ્લિક, વિયેના, જર્મની, સ્વિડ્ઝર્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ અને ફ્રાંસ જેવા અનેક દેશોની સરહદો પાર કરશે. આમ, તેઓ જુદા જુદા ખંડો અને સંસ્કૃતિઓ વચ્ચેથી પસાર થઈને ૨૦ દેશોની લાંબી આંતરરાષ્ટ્રીય યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરશે.


શું છે બાઇક રાઇડર્સ પાછળનો ઉદ્દેશ્ય

આ અસાધારણ બાઇક ટૂર પાછળ માત્ર ફરવાનો કે સાહસનો જ ઉદ્દેશ્ય નથી, પરંતુ તેની સાથે એક ખૂબ જ મહત્વનો સામાજિક અને પર્યાવરણીય સંદેશ પણ જોડાયેલો છે. જીવાભાઈ પરમાર અને એહમદ ચાવડા પોતાની આ વૈશ્વિક સફર દરમિયાન 'સેવ ધી બેટરી' અને 'સેવ સોઈલ' ના વિશેષ મેસેજ સાથે પ્રવાસ કરવાના છે. તેઓ જે જે દેશોમાંથી પસાર થશે, ત્યાં પર્યાવરણની સુરક્ષા અને ગ્લોબલ વોર્મિંગ સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે. રાજકોટના આ બે લાલ બાઇક લઈને લંડન પહોંચીને વૈશ્વિક સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કરશે, તે બદલ અત્યારથી જ સોશિયલ મીડિયા પર તેમને વ્યાપક પ્રોત્સાહન અને શુભેચ્છાઓ મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application