BREAKING NEWS

સ્ટેટ લેવલ અંડર-૧૪ ફૂટબોલ સ્પર્ધામાં વડોદરા ચેમ્પિયન, રાજકોટ રનર અપ

  • November 10, 2025 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના રેસકોર્સ સ્થિત ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રાજયકક્ષાની અંડર-૧૪ ભાઇઓની ફૂટબોલ સ્પર્ધા-૨૦૨પનું આયોજન તા.૪ થી ૮ નવેમ્બર દરમિયાન કરાયું હતું.

ભાઇઓની અંડર -૧૪ ફૂટબોલ સ્પર્ધા-૨૦૨પમાં સ્ફૂર્તિથી છલકાતા ફૂટબોલર્સ અને યુવાનોના ઉત્સાહને પ્રદર્શિત કરતાં આકર્ષક માહોલમાં ફાઇનલનો શુભારંભ થયો હતો. રાજ્યમાં યુવા પ્રતિભાઓને મંચ આપવા અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે યોજાતી આ હરીફાઈ રમતની ભાવના વિસ્તૃત બનાવે છે.

આ સ્પર્ધામાં રાજકોટ સહિત રાજ્યભરની વિવિધ શાળાઓના ટેલેન્ટેડ ફૂટબોલરોએ પોતાની કુશળતા, ઝડપ અને ખેલદિલીની ભાવનાનો પરિચય આપ્યો હતો.રાજ્યમાંથી આવેલી તમામ ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, પ્રથમ ક્રમે વડોદરા શહેર ટીમ રહી હતી. ઉત્કૃષ્ટ સ્ટ્રેટેજી, શિસ્તબદ્ધ રમત અને અંત સુધી ઝઝૂમવાની ક્ષમતા વડોદરા ટીમને પ્રથમ ક્રમે પહોંચાડનાર મુખ્ય પરિબળ બન્યાં હતા. બીજો ક્રમ રાજકોટ શહેર ટીમનો હતો. હોમ ગ્રાઉન્ડ પર રમતી રાજકોટ ટીમે ઉત્તમ સમન્વય અને ઉત્સાહ દર્શાવ્યો હતો. ખેલાડીઓની ઝડપ અને પાસિંગ સ્કિલથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્રીજો ક્રમ આણંદ ટીમનો હતો. આણંદના યુવા ખેલાડીઓએ ધીરજ, નિયંત્રણ અને ટીમવર્કનો ઉત્તમ પરિચય આપીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. રાજકોટની ધરતી પર રમનારી આ ખેલ પ્રતિભાઓ ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત સ્પર્ધાનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application