BREAKING NEWS

૨૦૦૫થી ૨૦૨૫માં રાજકોટનો અદભૂત વિકાસ: સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ

  • November 22, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ આજે રાજકોટની મુલાકાત દરમિયાન શહેર ઉપર વિકાસવર્ષા કરી હતી જેમાં મુખ્યત્વે રાજકોટના પાણી પુરવઠા માટે અત્યંત મહત્વની એવી રાજકોટ શહેરથી ભાદર-૧ ડેમ સુધી ૧૪૮ કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહુર્ત ઉપરાંત રાજકોટ મહાપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો મુખ્યમંત્રીના હસ્તે યોજાયો હતો. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી ત્યારથી શરૂ કરી હાલ ૨૦૨૫ સુધીના છેલ્લા બે દાયકામાં રાજકોટ શહેરનો અદભુત વિકાસ થયો છે.

વિશેષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે વિકાસની ચર્ચા કરતા તો અમુક લોકોને એવું લાગતું કે આ બધી તો વાતો છે પરંતુ હવે સૌને વિકાસ દેખાય રહ્યો છે. સમગ્ર દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ જન્મ્યો છે તેનું તાજેતરનું જ ઉદાહરણ બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ છે તેમ જણાવી ઉમેર્યું હતું કે બિહાર જેવા રાજકીય રીતે પરિપક્વ રાજ્યને પણ હવે એ વાત મગજમાં બેસી ગઇ છે કે વિકાસની રાજનીતિ જ કરવી જોઇએ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી ત્યારથી રાજકોટ સહિતના શહેરોની વિકાસયાત્રા શરૂ થઇ હતી અને આજે ૨૦૨૫માં તેના પરિણામો પ્રત્યક્ષ જોઇ શકાય છે. એક સમય હતો કે રાજકોટમાં પાણીની પરિસ્થિતિ અત્યંત વિકટ હતી. ટ્રેનથી અને ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ આજે રાજકોટમાં ઘરે ઘરે નળ છે અને તેમાં સૌની યોજનાના નર્મદનીરનું વિતરણ થઇ રહ્યું છે. રાજકોટનો પાયાનો પ્રશ્ન પાણી પ્રશ્ન હતો જેને સરકારે દ્રઢ નિર્ધારથી ઉકેલ્યો છે. આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયેલા પ્રોજેક્ટ્સમાં પણ પાણી પુરવઠાના પ્રોજેક્ટ્સ જ સૌથી વધુ છે જે બદલ રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું તેમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વિપક્ષ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, અગાઉના વર્ષોમાં એવું હતું કે ચૂંટણી આવે ત્યારે વચનોની લ્હાણી થાય અને તે વચનો પૂર્ણ ન થાય ત્યાં બીજી ચૂંટણી આવી જાય ! આવું જ ચાલતું રહેતું હતું પરંતુ હવે વિકાસ રાજનીતિ છે તેમાં આવી બાબતને સ્થાન ન હોય શકે. આથી જ અમે જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરીએ છીએ તેનું લોકાર્પણ પણ કરી બતાવીએ છીએ. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે સ્લાઇડમાં પ્રોજેક્ટના પિક્ચર્સ રજૂ થયા છે અસલ તેવા જ પ્રોજેક્ટ સાકાર થશે. પિકચર અને પ્રોજેક્ટ સમાન જ રહેશે.

કાર્યક્રમના પ્રારંભે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર એ સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. મેયર નયનાબેન પેઢડીયા અને પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્વિનભાઇ પાંભરએ આભારવિધિ કરી હતી.


ખરેખર મૃદુ અને મક્કમ, કાર્યકમમાં મોડા પહોંચતા મુખ્યમંત્રીએ સૌની માફી માંગી

રાજકોટ આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મુખ્ય કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સવારે ૧૧ કલાકે હતો પરંતુ અગાઉના કાર્યક્રમોના અનુસંધાને શેડ્યુલ વિલંબિત ચાલી રહ્યું હોય મુખ્યમંત્રી ત્યાં આગળ ૧૨ વાગ્યે પહોંચ્યા હતા. ઉદબોધનમાં પ્રારંભે જ મુખ્યમંત્રીએ સૌપ્રથમ મોડા પહોંચવા બદલ સૌ ઉપસ્થિતોની માફી માંગી હતી.

આર્ટ ગેલેરીમાં વિકાસ પ્રદર્શન જરૂર નિહાળજો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ આર્ટ ગેલેરી ખાતે ૨૦૦૫થી ૨૦૨૫ સુધીની વિકાસ યાત્રાની તસવીરોનું પ્રદર્શન ખુલુ મૂક્યું હતું જે તેમને ખૂબ જ ગમ્યું હતું અને રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન નિહાળવા જવા તેમણે સર્વે રાજકોટવાસીઓને અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application