રાજકોટ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ અને આકાશગંગા ટીમ દ્વારા અદભૂત એર શો યોજવામાં આવ્યો હતો જેમાં પચાસ હજારથી વધુની જનમેદની ઉમટી પડી હતી અને ઇન્ડિયન એરફોર્સના જવાનોના નિદર્શન નિહાળી ભારતીય હોવાનો ગર્વ અનુભવ્યો હતો.
ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એટલ સરોવર આસપાસના વિસ્તારોના આકાશમાં ગઇકાલે સવારે ૧૦ વાગ્યાથી યોજાયેલ અભૂતપૂર્વ સૂર્યકિરણ એર-શોએ હજ્જારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીને રોમાંચિત કરી દીધી હતી. ભારતીય વાયુ સેનાના જવાનોની વીરતા, શૌર્ય, શિસ્તબધ્ધતા, અને પરફેક્શન કેવા હોય તેની ફૂલ સ્કેલ ઝલક નિહાળી સમગ્ર રાજકોટની જનતાએ વાયુ સેના અને તેના જવાનો પ્રત્યે અહોભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
એર-શોની સાથોસાથ ડીફેન્સનાં શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ હતું. એર-શો પૂર્ણ થયા બાદ તમામ સાંસદ સહિતના મહાનુભાવોએ એરફોર્સ બેન્ડના મંડપ ખાતે પ્રસ્થાન કર્યું હતું, અને ત્યાં વાયુ સેનાના તમામ વરિષ્ઠ અધિકારીઓને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે એરફોર્સ બેન્ડ દ્વારા “ હે મેરે પ્યારે વતન....” ગીતની સૂરાવલી રેલાવવામાં આવી હતી.
સવારે ૧૦:૦૦ વાગ્યાથી યોજાયેલ યાદગાર અને અભૂતપૂર્વ એર શો સાથે, પ્રથમ વખત પ્રતિષ્ઠિત એર ફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ પણ શહેરના નાગરિકોએ માણ્યું હતું. આ ઉપરાંત ગરૂડ કમાન્ડોના શસ્ત્ર, મિસાઈલ અને અન્ય સાધનોનું ભાગ્યે જ જોવા મળે તેવું શાનદાર પ્રદર્શન પણ લોકોએ નિહાળ્યું હતું.
આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના જવાનો દ્વારા દ્વારા, ૮૦૦૦ ફૂટની ઉંચાઈએ ઉડતા એરક્રાફ્ટમાંથી પેરાશૂટ સાથે આકાશમાં જમ્પ કરી લોકોના દિલની ધડકન તેજ કરી દીધી હતી. આ જવાનોએ અટલ સરોવરના મેદાનમાં પરફેક્ટ સફળ લેન્ડીંગ કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ હેલિકોપ્ટર એમ આઇ ૧૭ વી-૦૫ દ્વારા વિંગસિંગ ઓપરેશનમાં જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થયો હતો. આ પછી એરફોર્સ બેન્ડના પરફોર્મન્સ સાથે આકાશમાં નવ-નવ વિમાનો દ્વારા ભવ્ય એર-શો યોજાયો હતો. આ કાર્યક્રમોએ રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણો સર્જી હતી.
ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમના નવ-નવ વિમાનોએ આકાશમાં અલગ અલગ ફોર્મેશનમાં દિલધડક સ્ટંટનં નિદર્શન કરી તેમના શૌર્ય, ચોકસાઈ અને પરફેક્ટ ટાઈમિંગ સાથેના તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરી સૌના દિલ જીતી લીધા હતાં. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટ્સની કુશળતા નિહાળી નાગરિકો રોમાંચિત થઇ ગયા હતા અને તેઓએ હર્ષનાદ અને ચીચીયારી સાથે આ પરફોર્મન્સને વધાવી લીધું હતું.
એરફોર્સ બેન્ડ ઉપર દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકે સમગ્ર એર-શોમાં અભૂતપૂર્વ માહોલ સર્જ્યો હતો.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ૧૭ થી ૨૦ જેટલી મોટી સ્ક્રીન મુકવામાં આવી છે અને તેના માધ્યમથી બહોળી સંખ્યમાં લોકો એર-શોના સાક્ષી બન્યા હતા. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાયા હતા. અટલ સરોવરની ફરતે આવેલા જુદાજુદા રસ્તાઓ પર તેમજ આજુબાજુના ટેકરાઓ પર હજજારોની સંખ્યામાં એકત્ર થયેલા લોકો માટે આજનો આ અવસર યાદગાર બની ગયો હતો.
આ ઉપરાંત નાગરિકોની સુગમતા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ફરતે ૩૦ થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા હતાં. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકોએ ભવ્ય એર-શો અંગેની માહિતી અને લાઈવ બેન્ડની સૂરાવલીનો આનંદ પણ મેળવ્યો હતો. અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ ૭ વ્યુ પોઈન્ટ અને કુલ૮ પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવેલ હતા.
નાગરિકોને ભારતીય વાયુસેનાની વીરતા, પરંપરા, શિસ્ત અને પ્રતિષ્ઠાનો નજીકથી પરિચય કરાવવા, યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને પ્રેરિત કરવા, દેશભક્તિને નવી ઊંચાઈએ લઈ જતું સાંસ્કૃતિક અને સાહસિક સંયોજન પ્રદાન કરવા અને શહેરની પ્રગતિશીલ છબીમાં એક અભૂતપૂર્વ ઉમેરો કરવા અંગેનો આ ઐતિહાસિક ઇવેન્ટનો હેતુ હતો.
મેયર નયનાબેન પેઢડીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ એર-શોના અવસરે, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ભારતીય વાયુ સેનાના અધિકારીઓ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારા તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન, કોર્પોરેટરો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તેમજરાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ સહિતના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.