રાજકોટીયન્સે ડીજે પાર્ટી અને ફટાકડાઓ સાથે નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કર્યું
રાજકોટીયન્સે ડીજે પાર્ટી અને ફટાકડાઓ સાથે નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કર્યું
January 01, 2026 05:07 AM
રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાત્રે નવા વર્ષની આગવી ઉજવણી જોવા મળી હતી. 2025ને વિદાય આપી અને 2026ના સ્વાગત માટે શહેરભરમાં ઉત્સાહ, ઉલ્લાસ અને મોજમસ્તીનું વાતાવરણ છવાઈ ગયું હતું. શહેરની વિવિધ હોટલ્સ અને પાર્ટીપ્લોટોમાં બોલિવૂડ ગીતોના તાલે રાજકોટીયન્સે મનભરીને ઠૂમકા લગાવ્યા હતા. હોટલ નોવા, મોટલ ધ વિલેજ, આરઆર હોટેલ સહિત શહેરના અનેક જાણીતા સ્થળોએ ભવ્ય ડીજે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવૂડના હિટ ગીતો ઉપરાંત રીમિક્સ અને ગુજરાતી ગીતોએ પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. 12 વાગ્યાના ટકોરે સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, હેપ્પી ન્યૂ યર 2026ના નાદ સાથે વાતાવરણ ગુંજાવ્યું હતું. આ સમયે અનેક સ્થળોએ ફટાકડા ફોડી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોડીરાત સુધી પોલીસ કર્મચારીઓ ખડેપગે રહી શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા રહ્યા હતા. શાંતિપૂર્ણ અને સલામત રીતે ઉજવણી પૂર્ણ થાય તે માટે પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શન અને દેખરેખ રાખવામાં આવી હતી.