રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા પાંચ દિવસીય ભાતીગળ લોકમેળાનો આજે પાંચમો અને અંતિમ દિવસ છે. રાંધણ છઠ્ઠથી શરૂ થયેલા અને દશમ સુધી ચાલતા આ મેળામાં લોક સંસ્કૃતિ, મનોરંજન અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. શનિવારે ચોથા દિવસે બપોર પછી મેળાના મેદાનમાં માનવ મહેરામણ ઉમટી પડતા જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા નજારા જોવા મળ્યા હતા. લોકોએ ચકરડી, ફજતફાળકા, સાહસિક રાઈડ્સ અને વિવિધ ખાણી-પીણીની વાનગીઓની ભરપૂર મજા માણી હતી.

મેળાના શરૂઆતી ચાર દિવસ દરમિયાન જ 9 લાખથી વધુ મુલાકાતીઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારના દિવસે રેકોર્ડબ્રેક ૪.૨૨ લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી હતી, જ્યારે ચોથા દિવસે ૩ લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આજે મેળાના અંતિમ દિવસે રવિવારની જાહેર રજા હોવાના કારણે વધુ ૨ લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે. આ સાથે જ પાંચ દિવસના સમગ્ર મેળા દરમિયાન કુલ મુલાકાતીઓનો આંકડો 11 લાખથી વધુ જવાનો અંદાજ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ વર્ષે રાજકોટ લોકમેળાની સૌથી મોટી વિશેષતા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ રહી છે. લાખોની ભીડને સુચારુ રૂપે નિયંત્રિત કરવા માટે પ્રથમ વખત 'AI આધારિત ક્રાઉડ મેનેજમેન્ટ' સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હતી, જે સુરક્ષા વ્યવસ્થા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. ડ્રોન કેમેરાની મદદથી સતત નિરીક્ષણ કરીને ભીડના ટ્રાફિકને યોગ્ય દિશામાં ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો, જેનાથી સામાન્ય જનતાની સેફ્ટી જળવાઈ રહી હતી અને કોઈપણ અપ્રિય ઘટના વગર લાખો લોકોએ મેળો માણ્યો હતો.

આ ઉપરાંત, પબ્લિક સેફ્ટીને પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા ખાસ 'એક્સ્ટ્રા ઈમરજન્સી કોરિડોર' બનાવવામાં આવ્યો હતો. ગત વર્ષોની સરખામણીએ આ વખતે ફનવર્લ્ડથી સીધા જ મેઈન રોડ તરફ જતો અલાયદો રસ્તો ફાળવાયો હતો, જેથી કોઈ ઈમરજન્સી કે મેડિકલ પરિસ્થિતિ ઊભી થાય તો એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી દર્દીને ઝડપથી હોસ્પિટલ ખસેડી શકે. ૪ સપ્ટેમ્બરના રોજ એક જ સમયે ૧.૨૩ લાખ લોકો મેદાનમાં હાજર હતા, જેવી જટિલ પરિસ્થિતિમાં પણ આ AI ટેકનોલોજી અને ઈમરજન્સી પ્લાનિંગે ક્રાઉડ મેનેજમેન્ટને અત્યંત સરળ બનાવી દીધું હતું.


