નવી જીએસટીની કર પ્રણાલી લાગુ થયા બાદ નવા વર્ષના પ્રારંભ સાથે દેશના ઉદ્યોગોને વેગ મળતા જીએસટી કલેક્શનમાં વધારો થતા સરકારની તિજોરીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે રાજકોટ વિભાગ-10ની જાન્યુઆરી 2026 ની આવકમાં ગત વર્ષની સરખામણીમાં 8.20 ટકાનો એટલે કે રૂપિયા 22.11 કરોડના વધારો નોંધવામાં આવ્યો છે. આ વધારા સાથે રાજકોટ વિભાગ 10 ની જીએસટીની આવક રૂપિયા 291.71 કરોડ પર પહોંચી ગઈ છે.
આ અંગે પ્રાત માહિતી પ્રમાણે ડિસેમ્બર 2025 માં રાજકોટ વિભાગ 10ની જીએસટીની આવક રૂપિયા 227 કરોડ નોંધવામાં આવી હતી. જે જાન્યુઆરી 2026 ના અંતે વધીને રૂપિયા 291.71 કરોડ પહોંચી હતી. આ અંગે વિભાગ 10ના ઇન્ચાર્જ જોઈન્ટ કમિશનર કમિશ્નર ક્રિપાલસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરનું ત્રિમાસિક પૂર્ણ થતું હોવાથી જાન્યુઆરી મહિનામાં જીએસટી રિટર્ન ફાઈલ કરનાર વેપારીઓ અને ઉદ્યોગકારોની સંખ્યામાં વધારો થતા જીએસટીની આવકમાં પણ 28.71 ટકાનો વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2025માં 383 કરોડ, મેં માં રૂપિયા 219 કરોડ, જૂનમાં રૂપિયા 204 કરોડ, જુલાઈમાં રૂપિયા 249 કરોડ, ઓગસ્ટમાં રૂપિયા 263 કરોડ, સપ્ટેમ્બરમાં રૂપિયા 225 કરોડ, ઓક્ટોબરમાં રૂપિયા 276 કરોડ, અને નવેમ્બરમાં રૂપિયા 276 કરોડ બાદ ડિસેમ્બરમાં જીએસટીની આવક રૂપિયા 227 કરોડ નોંધવામાં આવી હતી.જ્યારે નવા વર્ષના પ્રારંભમાં જીએસટીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો થયો છે.આ અંગે જીએસટી કરવેરા સલાહકારોના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા જીએસટીના સુધારેલા દરો ઘટાડા સાથે લાગુ કરવામાં આવ્યા હતા. જેના કારણે નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન વિવિધ ઉદ્યોગોની મંદ પડેલી ગતિ તેજ થઈ હતી. જેના કારણે ઉદ્યોગકારોમાં નવી આશાનો સંચાર થયો હતો. જેના કારણે સરકારના જીએસટી કલેક્શનમાં પણ તેની અસર જોવા મળી હતી.