BREAKING NEWS

રાજકોટનો AQI ફરી 200ને પાર, શ્વાસ રૂંધી નાખે તેવું પ્રદૂષણ હવામાં પ્રસર્યું

  • December 13, 2025 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવી દિલ્હીની જેમ રાજકોટ શહેરમાં પણ સતત વધતા જતા પ્રદૂષણને કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ અનેક વિસ્તારોમાં ૨૦૦ને પાર પહોંચી ગયો છે. રાજકોટની હવામાં શ્વાસને રૂંધી નાખે તેવું ઝેરી પ્રદૂષણ પ્રસરી રહ્યું છે. તાજેતરમાં ચાલુ સપ્તાહના સરેરાશ આંક સામે આવ્યા છે જે જનઆરોગ્ય માટે ખરેખર ભયજનક કહી શકાય તેવા છે.


વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ચાલુ સપ્તાહે સોમવારથી આજે શનિવાર સુધીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ જોઇએ તો કુવાડવા રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડીએ ૧૬૪, ડિલક્સ ચોકમાં ૧૭૦, ભાવનગર રોડ ઉપર ઇસ્ટ ઝોન મ્યુનિ.ઓફિસ વિસ્તારમાં ૧૦૩, રેસકોર્સ વિસ્તારમાં ૮૭ , કોઠારીયા ગામ વિસ્તારમાં ૮૪, કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ ચોક વિસ્તારમાં ૧૦૭, આજીડેમ ચોકડીએ સૌથી વધુ ૨૯૨, ઢેબર રોડ ઉપર કોર્પોરેશન ચોકમાં ૧૩૨, કાલાવડ રોડ ઉપર ઝડ્ડુસ ચોકમાં ૧૦૬, મોરબી રોડ ઉપર ૧૦૪, ત્રિકોણ બાગ ચોકમાં ૧૧૧, જામ ટાવર ચોકમાં ૨૦૦, રામાપીર ચોકડીએ ૧૯૦, દેવપરામાં ૧૫૭, જિલ્લા પંચાયત ચોકમાં ૧૦૪, અટીકામાં ૨૦૭, જંક્શન રેલવે સ્ટેશન એરિયા ૧૨૦, સોરઠીયા વાડી ચોક ૨૨૫, નાના મવા સર્કલ ચોક ખાતે ૧૮૩ અને પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ વિસ્તારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે.


એર ક્વોલિટી ઇન્ડેક્સ શું છે?

એર ક્વોલિટી ઇન્ડેક્સ (હવા ગુણવત્તા સૂચકાંક)એ એક સ્કેલ છે જે કોઈ ચોક્કસ વિસ્તારમાં હવા કેટલી પ્રદૂષિત છે તે સમજવામાં મદદ કરે છે. વિવિધ હવા ગુણવત્તા સૂચકાંક શ્રેણીઓ વિવિધ આરોગ્ય અસરો સાથે સંકળાયેલી છે. આ સ્કેલ લોકોને તેમના સ્વાસ્થ્ય માટેના સંભવિત જોખમને સમજવામાં મદદ કરે છે.


રાષ્ટ્રીય હવા ગુણવત્તા સૂચકાંક શું છે?

નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ સાત વાયુ પ્રદૂષકોના માપન ઉપર આધારિત છે જેમાં કણો (૧) પીએમ ૨.૫ અને (૨) પી.એમ.૧૦, (૩) ઓઝોન (ઓ.થ્રી), (૪) કાર્બન મોનોક્સાઇડ (સી.ઓ.), (૫) સલ્ફર ડાયોક્સાઇડ (એસઓ.ટુ), (૬) નાઇટ્રોજન ડાયોક્સાઇડ (એન ઓ.ટુ) અને (૭) એમોનિયા (એન એચ થ્રી)નો સમાવેશ થાય છે.


એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો હોય તો સારો?

૦ થી ૫૦ = સારો

૫૧ થી ૧૦૦ = સંતોષકારક

૧૦૧ થી ૨૦૦ = મધ્યમ ખરાબ

૨૦૧ થી ૩૦૦ = વધુ ખરાબ

૩૦૧ થી ૪૦૦ = ખૂબ જ ખરાબ

૪૦૧ થી ૫૦૦ = ગંભીર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application