રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના બજેટમાં મિલકત વેરામાં વ્યાજ માફીની સ્કિમ જાહેર કરવામાં આવે તેવી રાજકોટના વ્યાપાર ઉદ્યોગ જગતમાંથી વ્યાપક માંગ ઉઠવા પામી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં આવી જોગવાઇ નથી. પરંતુ હાલમાં સ્ટેન્ડિંગ કમિટી બજેટ મંજૂર કરતા પૂર્વે અભ્યાસ કરી રહી છે ત્યારે વ્યાજમાફીની સ્કિમ આપવા સુર ઉઠ્યો છે ત્યારે રાજકોટ મહાપાલિકાના શાસકો હવે આગામી દિવસોમાં શું નિર્ણય કરશે તેના ઉપર સમગ્ર શહેરની મીટ છે.
કેન્દ્ર અને રાજ્યના ટેક્સમાં પણ વ્યાજમાફી હોય છે: વી.પી.વૈષ્ણવ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ વી.પી.વૈષ્ણવએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ કરવેરા વિભાગો દ્વારા પણ સમયાંતરે વ્યાજમાફીની સ્કિમ અપાતી હોય છે ત્યારે રાજકોટ મહાપાલિકાએ પણ મિલકતવેરામાં વ્યાજ માફીની સ્કિમ આપવી જોઇએ.
અમદાવાદમાં વ્યાજમાફી આપી, રાજકોટને આપો: ધનસુખ વોરા
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ધનસુખભાઇ વોરાએ જણાવ્યું હતું કે અમદાવાદ મહાપાલિકા દ્વારા પણ મિલકતવેરામાં વ્યાજમાફીની સ્કિમ જાહેર કરાઇ છે ત્યારે રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ પણ આ દિશામાં વિચારવું જોઇએ.
બજારમાં મંદી છે તેને ધ્યાને લઇને વ્યાજમાફી આપો: નલિન ઝવેરી
સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ નલિન ઝવેરીએ જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકા મિલકત વેરામાં વ્યાજમાફીની સ્કિમ આપે તો બાકી લેણાંની ઝડપી વસુલાત થશે. બજારમાં મંદી છે ત્યારે વ્યાજ માફીની સ્કિમથી ખરા અર્થમાં રાહત થશે.
૨૦૧૭ પછી વેરામાં વ્યાજમાફી સ્કિમ અપાઇ નથી: પરેશ ગજેરા
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લે ૨૦૧૭માં મિલકત વેરામાં વ્યાજ માફીની સ્કિમ અપાઇ હતી. હાલ અમદાવાદમાં પણ વ્યાજમાફી સ્કિમ અમલી છે ત્યારે રાજકોટ મહાપાલિકા પણ આવી સ્કિમ અમલી બનાવે તો આવકાર્ય બનશે. ખાસ કરીને મધ્યમવર્ગ અને નોકરિયાત વર્ગને ધ્યાને લઇને વ્યાજમાફી આપવી જોઇએ.
મિલકતવેરામાં વ્યાજમાફી અપાય તો ઉદ્યોગોને રાહત થશે: નરેન્દ્ર પાંચાણી
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્રભાઇ પાંચાણીએ જણાવ્યું હતું કે મિલકત વેરામાં વ્યાજમાફી અપાય તો રાજકોટના ઉદ્યોગ જગતને રાહત થશે, જો વ્યાપાર ઉદ્યોગ જગતની માંગણી હોય તો મહાપાલિકાએ આ દિશામાં યોગ્ય નિર્ણય કરવો જોઇએ.
વ્યાજ માફીની સ્કિમથી પ્રામાણિક કરદાતાને અન્યાય: ડો.જયેશ ડોબરીયા
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની રાજકોટ બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડો.જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે કોઇ ચોક્કસ કિસ્સામાં વ્યાજમાફી આપવા જેવું લાગે તો કેસ ટુ કેસ ચકાસણી કરીને જ આપવી જોઇએ, દરેકને વ્યાજમાફી ન આપવી જોઇએ. સ્કિમ લાગુ કરવાથી નિયમિત એડવાન્સ મિલકતવેરો ભરતા પ્રામાણિક કરદાતાઓને અન્યાય કર્યો કહેવાય.
વ્યાપાર-ઉદ્યોગ જગતનો અવાજ સાંભળવો જોઇએ:મયુર આડેસરા
રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રેસિડેન્ટ મયુરભાઇ આડેસરાએ જણાવ્યું હતું કે, વ્યાપાર ઉદ્યોગ જગતનો અવાજ સાંભળી તે દિશામાં નિર્ણય કરવો જોઇએ. વેપારીઓને નોટિસો આપી તેમની દુકાનો સીલ કરીને આબરૂની ઉછામણી કર્યા બાદ રિકવરી કરવાને બદલે વ્યાજમાફીની સ્કિમ આપવી જોઇએ.
બાકીદારોને વેરો ભરવાની તક આપવી જોઇએ: ડી.વી.મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે દરેક બાકીદારો એવા હોતા નથી કે તેમની પાસે પૈસા હોવા છતાં વેરો ચૂકવતા ન હોય, માણસના સ્થિતિ સંજોગો નબળા હોવાને કારણે વેરો ભરપાઈ કરી શક્યા ન હોય તો તેમને વ્યાજમાફીની સ્કિમ આપી વેરો ભરવાની તક આપવી જોઇએ.
વ્યાજમાફી સ્કિમથી બન્ને પક્ષને પરસ્પર ફાયદો થાય છે: સુમિત વોરા
રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ સુમિત વોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકાએ મિલકતવેરામાં વ્યાજ માફીની સ્કિમ આપવી જ જોઇએ. દેશના અન્ય મહાનગરોમાં પણ આવી સ્કિમો અમલી થતી જ હોય છે, આવી સ્કિમ લાગુ કરવાથી કરદાતા અને મહાપાલિકા બંને પક્ષને પરસ્પર ફાયદો છે.