BREAKING NEWS

ગોપાલ ઇટાલિયા AAPને ક્યોરેય ઉભી થવા નહીં દે... રાજુ કરપડાના સ્ફોટક નિવેદનથી ખળભળાટ

  • February 12, 2026 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના મજબૂત ખેડૂત નેતા અને પાંચ વર્ષથી સક્રિય એવા રાજુ કરપડાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું છે. ત્યારે આજે રાજુ કરપડાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યારેય ઉભી થવા નહીં દે.


ઇસુદાન ગઢવીએ પણ નેગેટિવ કર્યું હોય તેવું મને લાગતું નથી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હેમંતભાઈ ખવા, ચૈતરભાઈએ અમને સપોર્ટ કર્યો હતો. ઇસુદાન ગઢવીએ પણ નેગેટિવ કર્યું હોય તેવું મને લાગતું નથી. પરંતુ જે વ્યક્તિ માટે વિસાવદરમાં રાત-દિવસ એક કર્યા એ માણસ તેની ફરજ ચૂકી ગયા છે. પોણા ચાર મહિના જેલમાં રહ્યા, વારંવાર મેસેજો આપ્યા છે, અઠવાડિયામાં ત્રણવાર ફોન અમારા પરિવારને થતા હતા. આ ત્રણ ફોનમાં પરિવાર વારંવાર કહ્યું છે કે પાર્ટીને કહો કે અહીં કોઈ લીગલ વકીલને મોકલે. વકીલ સાથે અમારે ઘણા બદા સમાચારની આપ-લે કરવી છે. આજે દુખ સાથે કહેવું પડે છે કે પોણા ચાર મહિનામાં એક પણ વખત વકીલની મુલાકાત જેલમાં પાર્ટી તરફથી થઈ નથી. 


જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી

વધુમાં જણાવ્યું હતું કે, મે પહેલા જ કહ્યું કે, જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી. પરંતુ પાર્ટીમાંથી જે પણ ગયા છે તેણે ક્યારેય બીજા કોઈની વાત કરી નથી. શા માટે તેને તકલીફ છે એ મને સમજાતું નથી. પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીને ક્યારેય ઉભી નહીં થવા દે. આમ આદમી પાર્ટીએ બી ટીમ તરીકે કામ કરતી મેં જોઈ નથી. 


વધુમાં જણાવ્યું હતું કે, હું વર્ષ 2017-18થી ખેડૂતોના અલગ અલગ મુદ્દાઓ ઉઠાવી લડત ચલાવતો હતો. આ પછી વર્ષ 2021માં હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. આમ આદમી પાર્ટીમાં જોડાતા સમયે પણ મારી એક જ વાત હતી કે હું ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીશ અને ખેડૂતો માટે લડીશ. ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યા સફળતા પણ મળી છે. છેલ્લે કડદા પ્રથા નાબૂદ કરવા માટે આંદોલન કર્યું. 68 ખેડૂતો સાથે અમે પોણા ચાર મહિના જેલમાં રહ્યા. 307 જેવી ગંભીર કલમો અમારા ઉપર લગાવવામાં આવી હતી. મારે 3 મહિના નહિ 3 વર્ષ જેલમાં રહેવું પડે તો ડર ન હતો, પરંતુ જે ખેડૂતોએ કોઈ દિવસ પોલીસ સ્ટેશનનું પગથિયું નથી ચડ્યા તેમને જેલમાં રહેવું પડ્યું તેનું મને દુઃખ છે. ખેડૂતોએ દિવાળી જેવો તહેવાર પણ જેલમાં મનાવ્યો છે.


વધુમાં જણાવ્યું હતું કે, અમારી પ્રથમ મુદત 27 ઓક્ટોબરની હતી. આ દિવસે હાઇકોર્ટના સારામાં સારા વકીલ આવશે તેમ કહ્યું હતું. જેથી ખેડૂતોને મેં આવતીકાલે જામીન મળશે તેવું જણાવ્યું હતું. જો કે 27 તારીખે માત્ર એક જ નાના વકીલ દલીલ કરવા આવ્યા હતા. કોઈ મોટા વકીલ ન હતા, માટે જામીન ના મળ્યા. એ દિવસે ખેડૂતોએ મને જેલમાં પૂછયું કે શું થયું તો હું કંઇ જવાબ આપી શક્યો ન હતો. અમારા પરિવારને પણ પાર્ટી તરફથી કોઈ યોગ્ય જવાબ મળતો ન હતો. સારા વકીલ રાખવા બાબતે મારા પિતાએ મનોજ સોરઠીયાને ફોન કર્યો ત્યારે તેમને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજુભાઈને કહો અમારે બીજા પણ કામ હોય છે માત્ર આ એક કામ નથી. આ વાતનું અત્યંત દુઃખ થયું છે કારણ કે જે પાર્ટીને મેં મારા પરિવાર કરતા વધુ સમય આપ્યો એ મારા માટે આવું કહે તેથી દુઃખ વધુ થાય.

વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી, પરંતુ મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની બી ટિમ તરીકે કામ કરી રહ્યા છે તેવું હું ચોક્કસ કહીશ. ચૈતરભાઈ, હેમંતભાઈ કે ઈસુદાનભાઈ કોઈ દિવસ પાર્ટી માટે નેગેટિવ વિચાર કરતા નથી. હંમેશા તેઓ પાર્ટીને આગળ લાવવા પ્રયાસ કરે છે અને પાર્ટીના તમામ નેતાઓ આગેવાનો અને કાર્યકર્તા માટે સતત કામ કરે છે. હું અરવિંદ કેજરીવાલજીથી નજીક આવ્યો આ વાત ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયા જોઈ શકતા ન હતા અને ત્યારથી મને પછાડી દેવાના પ્રયત્ન કરતા હતા.


રાજીનામા પાછળનું કારણ

રાજુ કરપડા છેલ્લા કેટલાક સમયથી પક્ષના કેટલાક નેતાઓની કાર્યશૈલીથી નારાજ હતા. ખાસ કરીને ગોપાલ ઈટાલિયા અને અન્ય પ્રદેશ નેતાઓ સામે તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષમાં આંતરિક વિખવાદ અને ખેડૂતોના મુદ્દે પક્ષની અનિર્ણાયકતાને કારણે તેઓ લાંબા સમયથી અસંતુષ્ટ હતા. તેમણે પક્ષમાં નેતાઓના વર્તન અંગે રોષ વ્યક્ત કર્યો છે.


સંઘર્ષ અને જેલવાસ

બોટાદના હડદડમાં થયેલી હિંસા અને 'કડદા પ્રથા' (કપાસમાં વળતરનો મુદ્દો) ના વિરોધમાં રાજુ કરપડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આંદોલન દરમિયાન તેમની ધરપકડ પણ થઈ હતી અને તેમણે જેલવાસ ભોગવ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ જ તેમણે પક્ષ સામે બાંયો ચઢાવી હતી અને અંતે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો.


રાજકીય અસરો

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજુ કરપડાનું સારું પ્રભુત્વ છે. તેમના રાજીનામાથી આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થવાની ભીતિ છે. જોકે, તેમણે હજુ સુધી અન્ય કોઈ પક્ષમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application