લગ્નના માત્ર ૫ મહિનામાં જ રેપર બાદશાહ અને ઈશા રીખીના છૂટાછેડા
લગ્નના માત્ર ૫ મહિનામાં જ રેપર બાદશાહ અને ઈશા રીખીના છૂટાછેડા
September 01, 2026 02:53 PM
બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અને રેપર બાદશાહ (આદિત્ય પ્રતીક સિંહ સિસોદિયા) તથા પંજાબી એક્ટ્રેસ ઈશા રીખી વચ્ચેના લગ્નજીવનનો અંત આવ્યો છે. લગ્નના માત્ર પાંચ જ મહિનામાં આ દંપતીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને અફવાઓ પર વિરામ મૂકતાં બંનેએ સોશિયલ મીડિયા પર એક સંયુક્ત નિવેદન શેર કરીને પોતાના છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરી છે.માર્ચ ૨૦૨૬માં સોશિયલ મીડિયા પર બાદશાહ અને ઈશા રીખીના લગ્નની કેટલીક તસવીરો અને વાયરલ વીડિયો સામે આવ્યા હતા, જેના દ્વારા ફેન્સને ખબર પડી હતી કે રેપરે ગુપચુપ રીતે બીજા લગ્ન કરી લીધા છે. જોકે, બાદશાહે પોતે ક્યારેય આ લગ્ન પર ખુલીને વાત કરી નહોતી અને પોતાના અંગત જીવનને હંમેશા પ્રાઈવેટ રાખવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ઈશા રીખીની માતાએ સોશિયલ મીડિયા પર લગ્ન સંબંધિત તસવીરો શેર કરી હતી, જે પછીથી ઈશાએ પણ પોસ્ટ કરી હતી. પરંતુ, આ સંબંધ વધુ સમય ટકી શક્યો નહીં. લગ્નના માંડ ૩ મહિના પછી, એટલે કે જુલાઈ ૨૦૨૬માં જ બંને વચ્ચે અણબનાવ અને તણાવની અફવાઓ વહેતી થઈ હતી. ઈશા રીખીએ જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક ઈમોશનલ પોસ્ટ્સ શેર કરી હતી, જેના કારણે ફેન્સને આશંકા ગઈ હતી કે બંનેના સંબંધોમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બાદશાહ અને ઈશા રીખીએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક જોઈન્ટ પોસ્ટ શેર કરી હતી. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બંનેએ લખ્યું: "મેં અને ઈશા રીખીએ પરસ્પર સંમતિથી અલગ થવાનો અને આપ-પોતાના રસ્તે આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અમે બંનેએ એકબીજા પ્રત્યેના માન-સન્માન સાથે લીધો છે. અમે દરેકને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવેસીનું સન્માન કરે. આ મુદ્દા પર અમારું આ જ એકમાત્ર સત્તાવાર નિવેદન હશે. અમારી નમ્ર વિનંતી છે કે અમારા સંબંધો વિશે આગળ કોઈ અનિશ્ચિત અટકળો કે અનુમાનો ન લગાવવામાં આવે. રેપર બાદશાહના આ અચાનક નિર્ણયથી તેના ફેન્સ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. બાદશાહે પોતાની આ બીજી મેરેજ લાઈફને ખૂબ જ ખાનગી રાખી હતી અને ક્યારેય પણ જાહેરમાં ઈશા રીખી વિશે વધુ વાત કરી નહોતી. પરંતુ માત્ર ૫ મહિનામાં જ સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત થઈ જતાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યા છે.