BREAKING NEWS

સોમનાથમાં મહાદેવ હાજરા હજુર.... કાર્તિકી પૂનમે ચંદ્ર, ધ્વજદંડ અને જ્યોતિર્લિંગ એક હરોળમાં આવતા દિવ્ય દૃશ્ય સર્જાયું

  • November 06, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ હતો. ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં એક અનોખી ખગોળીય ઘટના બની હતી. પૂનમનો ખીલેલો ચંદ્રમા, સોમનાથ મંદિરનો ધ્વજદંડ અને જ્યોતિર્લિંગ એક જ હરોળમાં આવી ગયા હતા. આ દૃશ્યો જોઈને ભાવિકો ભાવ વિભોર બની ગયા હતા. શ્રદ્ધાળુઓ આ અલૌકિક ઘટનાને "અમૃત વર્ષા યોગ" તરીકે ઓળખાવી, મોટી સંખ્યામાં ભક્તોએ આ વિરલ દૃશ્ય નિહાળી ધન્યતા અનુભવી હતી.


ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસ ચંદ્રદેવની ઉપાસના અને મહાદેવના આશીર્વાદ સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા મુજબ, ચંદ્રદેવે ક્ષય રોગના નિવારણ માટે સોમનાથ મહાદેવની ઉપાસના કરી હતી. આ સ્મૃતિમાં, ચંદ્રદેવ દર વર્ષે આ જ દિવસે મહાદેવનો શીતળ ચાંદનીથી અભિષેક કરે છે. ભક્તોની માન્યતા છે કે, આ અભિષેકના દર્શન કરવાથી તેમના દુઃખો દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ પવિત્ર દિવસને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શિવે દૈત્ય રાજા ત્રિપુરાસુરનો સંહાર કરી ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું.


આ વિરલ સંયોગના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ ધામમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" અને "જય સોમનાથ"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે 11 વાગ્યે ભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ મધ્યરાત્રિએ મહાઆરતી યોજાઈ હતી, જેમાં હજારો ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


ભક્તોએ નિહાળ્યો 'અમૃત વર્ષા યોગ'

આ વિશેષ ધર્મપર્વ નિમિત્તે દ્રોણેશ્વર એસ.જી.વી.પી. ગુરુકુળના વિદ્યાર્થીઓએ બેન્ડ પરેડ સાથે એક સંગીતમય મહાઆરતી પ્રસ્તુત કરી હતી. આ વિદ્યાર્થીઓએ તાજેતરમાં કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર યોજાયેલી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં પણ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાની ઉત્કૃષ્ટ સંગીતકલા સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરીને આ પર્વમાં ધાર્મિક યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા આ વિદ્યાર્થીઓને પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application