ઇંગ્લેન્ડના રીડિંગ શહેરમાં આયોજિત વિશ્વપ્રસિદ્ધ 'રીડિંગ મ્યુઝિક ફેસ્ટિવલ'ના સમાપન બાદ આયોજન સ્થળની વાયરલ થયેલી તસવીરો અને ડ્રોન ફૂટેજે ભારે ચકચાર મચાવી છે. ઓગસ્ટની રજાઓ દરમિયાન બર્કશાયર શહેરના લિટલ જોન ફાર્મ ખાતે આયોજિત આ ચાર દિવસીય મ્યુઝિક ફેસ્ટિવલમાં 100000 થી વધુ સંગીતપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. જોકે, ફેસ્ટિવલ પૂર્ણ થયા બાદ આયોજન સ્થળ પર હજારો સિંગલ-યુઝ ટેન્ટ અને 700 ટનથી વધુ કચરાના ઢગલા છોડી દેવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર મેદાન કચરાના પહાડમાં ફેરવાઈ ગયું છે.

ડ્રોન ફૂટેજમાં જોઈ શકાય છે કે લોકો ફેસ્ટિવલ પૂરો થતાં જ પોતાના ઘરે રવાના થઈ ગયા હતા, પરંતુ પોતાની પાછળ હજારો તંબુ, પ્લાસ્ટિકની ખુરશીઓ, ગાદલા, ચાદર, કપડાં, ખોરાકના પેકેટો અને ડબ્બાઓનો મોટો જથ્થો છોડી ગયા હતા. એક અહેવાલ અનુસાર, આ ફેસ્ટિવલમાં દર વર્ષે આશરે 2.5 લાખ ટેન્ટ છોડી દેવામાં આવે છે, જેમાંથી જ માત્ર 70 થી 80 ટન કચરો ઉત્પન્ન થાય છે. મોટા ભાગના લોકો હોટેલના મોંઘા ભાડાથી બચવા માટે સસ્તા ટેન્ટ લાવે છે અને કચરા તરીકે ત્યાં જ મૂકીને જતા રહે છે.
રીડિંગ અને લીડ્સ ફેસ્ટિવલનું આયોજન કરતી કંપની 'ફેસ્ટિવલ રિપબ્લિક' દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2024 માં કુલ 702 ટન કચરો એકઠો થયો હતો, જે વર્ષ 2023 ના 780 ટન કચરા કરતાં થોડો ઓછો હતો. વર્ષ 2024 માં કુલ કચરામાંથી 10 ટકા એટલે કે 71 ટન હિસ્સો માત્ર ટેન્ટનો હતો, જ્યારે વર્ષ 2023 માં છોડી દેવાયેલા ટેન્ટનું વજન 80 ટન નોંધાયું હતું. રીડિંગ શહેરના કાઉન્સિલરો દર વર્ષે આ અંગે તપાસ રિપોર્ટ માંગે છે, જેમાં આ સમસ્યા વર્ષોથી ચાલતી હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, યુકેના સૌથી મોટા મ્યુઝિક ફેસ્ટિવલોમાંથી એક એવા આ કાર્યક્રમની શરૂઆત વર્ષ 1961 માં થઈ હતી. દર વર્ષે વધતી જતી આ ગંદકી અને પર્યાવરણીય નુકસાનની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, આયોજકોએ ભવિષ્યમાં સખત નિયમો અને દંડની જોગવાઈઓ અમલી બનાવવાની ખાતરી આપી છે, જેથી કરીને આગામી સમયમાં આવી સ્થિતિ પુનરાવર્તિત ન થાય.