6.57 કરોડના ખર્ચે બનેલી નવી લાઇબ્રેરીનું બિલ્ડીંગ અત્યારે તો ધોળા હાથી જેવું: છ મહિનાથી બિલ્ડીંગ તૈયાર હોવા છતાં વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાતું નથી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ વિભાગની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે નવી લાઇબ્રેરીનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ છ મહિના જેટલો સમય પસાર થઈ જવા છતાં હજુ તે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી નથી. આ બાંધકામને ફાયર એનઓસી મળી નથી તેવો જવાબ યુનિવર્સિટીના સત્તાવાળાઓ આપે છે. પરંતુ વાસ્તવિકતા એવી હોવાનું કહેવામાં આવે છે કે ઉદઘાટન માટે મંત્રીની રાહ જોવામાં આવી રહી છે.
રૂપિયા 6.૫૭ કરોડના ખર્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર બનાવવામાં આવેલું લાઇબ્રેરીનું નવું બિલ્ડીંગ ટ્રાન્સપરન્ટ છે અને તે મોટાભાગે ગ્લાસ કંસ્ટ્રક્શનનું છે. આ લાઇબ્રેરી અત્યંત આધુનિક હોવાનું જણાવવામાં આવે છે પરંતુ છ મહિનાથી લાઇબ્રેરી તૈયાર હોવા છતાં તે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી નથી અને છેલ્લા અઢી મહિના જેટલા સમયથી તો ફાયર એનઓસી મેળવવાના પ્રયાસ ચાલુ હોવાનું ગાણું ગાવામાં આવે છે.
એક તરફ નવી તૈયાર થયેલી લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવી નથી તો બીજી બાજુ જુની જે લાઇબ્રેરી છે તેમાં વાંચનાલય વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ માટે યુનિવર્સિટીના સત્તાવાળાઓ એવું કારણ આપે છે કે વાંચનાલય વિભાગ જર્જરીત હાલતમાં હોવાના કારણે તે બંધ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા 100 કરોડની ઉષા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે પરંતુ તેમાંથી જૂની લાઈબ્રેરીના વાંચનાલય વિભાગને રીપેર કરવામાં આવ્યો નથી. યુનિવર્સિટીના સત્તાવાળાઓ આ સંદર્ભે એવું કહે છે કે નવી લાઇબ્રેરી તૈયાર છે અને જૂની લાઈબ્રેરી ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે. ત્યારે જૂની લાઈબ્રેરી પાછળ વધારાનો ખર્ચ કરવાનું વ્યાજબી નથી. યુનિવર્સિટી સત્તાવાળાઓની આ વાતમાં દમ હોવા છતાં એ પણ વાસ્તવિકતા છે તો કે અત્યારે તો વિદ્યાર્થીઓનું બંને તરફનું બગડ્યું છે. નવી લાઇબ્રેરી ચાલુ થઈ નથી અને જૂની લાઈબ્રેરીનો વાંચનાલય વિભાગ બંધ કરી દેવાયો હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application