દેશની મોટા ગજાની કંપનીઓ હવે અગાઉની સરખામણીએ ઓછા કર્મચારીઓની ભરતી કરી રહી છે. કંપનીઓ દ્વારા ખર્ચ ઘટાડવા, ઉત્પાદકતા વધારવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) તથા ઓટોમેશનના વધતા ઉપયોગની સીધી અસર દેશના રોજગાર બજાર પર જોવા મળી રહી છે. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં સામેલ ૧૧ મોટી લિસ્ટેડ કંપનીઓમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ નવી ભરતીઓ ૨૦૨૩-૨૪ની સરખામણીએ ૨૭ ટકા જેટલી ઘટી ગઈ છે. ૨૦૨૩-૨૪માં આ ૧૧ મોટી કંપનીઓમાં ૪,૩૫,૦૬૬ નવી નોકરીઓ મળી હતી, જે ૨૦૨૫-૨૬માં ઘટીને માત્ર ૩,૧૫,૭૬૮ રહી ગઈ છે. આવા સમયે મોટો સવાલ એ ઊભો થાય છે કે દર વર્ષે ભણી-ગણીને બહાર આવતા લાખો યુવાનોને નોકરી ક્યાંથી મળશે?
દેશની ટોચની કંપનીઓના આંકડા જોઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧.૭૦ લાખ નવી ભરતીઓ થઈ હતી, જે ૨૦૨૪-૨૫માં વધીને ૧.૯૦ લાખ થઈ હતી. પરંતુ ૨૦૨૫-૨૬માં આ આંકડો સીધો ઘટીને એક લાખ પર આવી ગયો છે. એ જ રીતે એચડીએફસી બેંકમાં નવી ભરતીઓ ૨૦૨૩-૨૪માં ૮૯,૧૧૫ હતી, જે ૨૦૨૫-૨૬માં ઘટીને ૪૫,૯૦૨ થઈ ગઈ છે. ભારતી એરટેલે બે વર્ષ પહેલાં ૫,૯૫૬ નવી ભરતીઓ કરી હતી, જે હવે ઘટીને ૩,૭૫૧ રહી ગઈ છે. અદાણી પોર્ટ્સ, એશિયન પેઇન્ટ્સ અને ટાટા સ્ટીલ જેવી કંપનીઓમાં પણ આ જ સ્થિતિ છે. જોકે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) અને પાવર ગ્રીડે અગાઉના વર્ષ કરતા વધુ ભરતીઓ કરી છે.
ડિલોઇટ ઇન્ડિયાના આનંદરૂપ ઘોષના જણાવ્યા અનુસાર, કંપનીઓ હવે ઓછા કર્મચારીઓ સાથે વધુ ઉત્પાદકતા મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પહેલા જે કામો માટે મોટી સંખ્યામાં માનવબળની જરૂર પડતી હતી, ત્યાં હવે ઓટોમેશન અને થર્ડ-પાર્ટી સેવાઓનો ઉપયોગ વધી રહ્યો છે. આ ઉપરાંત, ઈરાન-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા તણાવના કારણે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા ઊભી થઈ છે. ડબલ્યુટીડબલ્યુના રાજુલ માથુરના જણાવ્યા મુજબ, આર્થિક ચિંતાઓને કારણે સારું નાણાકીય પ્રદર્શન કરતી કંપનીઓ પણ નવી ભરતીઓ અને રોકાણના મામલે સાવચેતી વર્તી રહી છે.
કંપનીઓમાં રોજિંદા કામકાજ માટે એઆઈનો ઉપયોગ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ટેકનોલોજી અને આઇટીમા ૬૨ ટકા, એચઆર પ્રબંધનમાં ૪૧ ટકા, ઓપરેશન્સમાં ૩૭ ટકા, કસ્ટમર સપોર્ટમાં ૩૨ ટકા અને નાણાં (ફાઇનાન્સ) વિભાગમાં ૨૧ ટકા એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે.
એચઆર નિષ્ણાતોના ૭૨ ટકા પ્રતિસાદકર્તાઓનું માનવું છે કે આગામી ૨-૩ વર્ષમાં એઆઈ રોજિંદા કામકાજનો મુખ્ય હિસ્સો બની જશે, જેનાથી નોકરીઓના સ્વરૂપમાં મોટો બદલાવ આવશે.
ઓટોમેશન અપનાવવાથી કંપનીઓની ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ૩૬ ટકા કંપનીઓએ ઉત્પાદકતામાં મધ્યમ સુધારો નોંધાવ્યો છે, જ્યારે ૩૨ ટકા કંપનીઓએ મોટો સુધારો થયો હોવાનું સ્વીકાર્યું છે.
પરંપરાગત નોકરીઓની માંગ ઘટવા પાછળ ઓટોમેશન અને એઆઈ ટૂલ્સ મુખ્ય પરિબળ છે. જોકે, નવ ટકા કંપનીઓનું માનવું છે કે એઆઈના કારણે મોટા પાયે નોકરીઓમાં કાપ મુકાઈ શકે છે. પરંતુ જો ભવિષ્યમાં એઆઈ ટૂલ્સ મોંઘા સાબિત થશે, તો જોબ કટ (નોકરીઓમાં કાપ) ઘટે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.