રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં ડિવિઝનલ ઓફિસર તથા સ્ટેશન ઓફિસર તથા સબ ફાયર ઓફિસર સહિતની ૪૨ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવી મોટા ભાગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે ગઇકાલે અચાનક તમામ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરાતા અરજદારોમાં દેકારો બોલી ગયો છે. દરમિયાન તંત્રવાહકોએ કોર્ટ મેટર અંતર્ગત ભરતી પ્રક્રિયા રદ કરી હોવાનુ જણાવી ઉમેદવારોને રીફંડ પરત આપવા સહિતની કામગીરી આરંભી હોવાનુ જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની ૪૨ જગ્યાઓ ભરવા માટે તા.૧૮.૧.૨૦૨૫ના રોજ જાહેરાત કરી હતી. ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં ડિવિઝનલ ઓફિસર તથા સ્ટેશન ઓફિસર અને સબ ફાયર ઓફિસર સહિતની ૪૨ જગ્યા માટે અનેક અરજીઓ આવી હતી. ફોર્મ સહિતની વિગતો સાથે ઉમેદવારોએ ફિ ભરેલ અને પરીક્ષા તેમજ ઇન્ટરવ્યું આપ્યુ હતું. આથી તંત્ર દ્વારા હવે રીફંડ પરત આપવા માટેની પરત કામગીરી શરૂ કરી નવી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ ઉમેદવારોને જણાવવામાં આવ્યુ છે.
મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલ ૪૨ કર્મચારીઓની ભરતી અચાનક રદ કરાતા ઓનલાઇન અરજી કરેલ અનેક ઉમેદવારોમાં દેકારો બોલી ગયો છે. ભરતી રદ કરવાની પ્રક્રિયા મુદ્દે તંત્રએ જણાવેલ કે, ભરતી સમયે અલગ અલગ પોસ્ટ માટે જે નિયમો હતો તેમા સરકાર દ્વારા સુધારો કરી નવા નિયમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે અમુક ઉમેદવારો દ્વારા લાયકાતમાં છુટછાટ આપવામાં આવે તે પ્રકારની રીટ કરી કોર્ટમાંથી સ્ટે લેવામાં આવ્યો છે. આથી કોર્ટ મેટર થતા તમામ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સરકારે સુચવેલા નવા નિયમો મુજબ નવી ભરતી માટેની તારીખ જાહેર કરવામાં આવશે.
ઉમેદવારોને ઓનલાઇન રીફંડ મેળવી લેવા અનુરોધ કરતા મનપા તંત્ર એ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ડિવિઝન ઓફિસરની ચાર તથા સ્ટેશન ઓફિસરની ત્રણ સબ ફાયર ઓફિસરની ૩૫ સહિતની કુલ ૪૨ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવ્યા બાદ તંત્ર દ્વારા અચાનક ભરતી રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને સાથોસાથ અરજી કરેલ ઉમેદવારોએ રીફંડ મેળવવા માટે મહાનગરપાલિકાની વેબસાઇટ પર પોતાની વિગતો ભરી તા.૨૯.૧૨.૨૦૨૫ સુધીમાં સબમીટ કરવાની રહશે. ત્યારબાદ રીફંડ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. નિયત સમય મર્યાદા બાદ રીફંડ અંગેની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી.