સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર કાર્યરત કેરિયર કાઉન્સિલિંગ ડેવલપમેન્ટ સેન્ટર (સીસીડીસી) અને ઇન્ટર્નલ ક્વોલિટી એસ્યોરન્સ સેન્ટર (આઈકયુએસી) માટે અલગ અલગ ડાયરેક્ટરની નવી બે જગ્યા રાજ્ય સરકારે મંજૂર કર્યા પછી તેની ભરતીની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં ગુજરાત સરકારના નાણા વિભાગની સ્થાયી સમિતિની અને સામાન્ય વહીવટ વિભાગની પૂર્વ મંજુરી લેવાનુ ફરજિયાત હોવા છતાં યુનિવર્સિટી દ્વારા તેનું ઉલંઘન કરીને ભરતીની પ્રક્રિયા શરૂ કરી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ખાસ કિસ્સામાં સરકારે મંજૂર કરેલી આ બે જગ્યામાં વયમર્યાદા 50 વર્ષની નક્કી કરીને યુનિવર્સિટીએ નવો વિવાદ છેડ્યો છે. યુનિવર્સિટીના એક વર્ગનું એવું કહેવું છે કે 50 વર્ષની વય મર્યાદા લાગુ પાડીને યુનિવર્સિટીએ ભરતીની પ્રક્રિયાના પ્રથમ ચરણમાં જ સિનિયરો અને અનુભવીઓની બાદબાકી કરી નાખી છે.
હવે આ બંને જગ્યા માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ શિક્ષણ વિભાગના તારીખ 2 સપ્ટેમ્બર 2023 ના પરિપત્ર મુજબ સીધી ભરતીની જગ્યા ભરતા પહેલા નાણા વિભાગની સ્થાયી સમિતિની અને સામાન્ય વહીવટ વિભાગની પૂર્વ મંજૂરી આવશ્યક બની જાય છે. જોકે યુનિવર્સિટીના સત્તાવાળાઓએ આવી કોઈ મંજૂરી હજુ સુધી લીધી નથી અને આમ છતાં ભરતીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
યુનિવર્સિટીના સત્તાવાર સાધનો એવું જણાવે છે કે સરકારનો આવો નિયમ છે પરંતુ તે ગવર્મેન્ટ કોલેજમાં જ્યારે ભરતી કરવાની હોય ત્યારે લાગુ પડતો હોય છે. આ નિયમ યુનિવર્સિટીને લાગુ પડતો નથી.
જોકે યુનિવર્સિટીના કાયદાના જાણકારો કહે છે કે આવી પૂર્વ મંજૂરી જરૂરી બની જતી હોય છે અને જો તે લીધા વગર ભરતી કરવામાં આવે તો ભવિષ્યમાં પગારની રિકવરી સહિતની કાયદેસરની કાર્યવાહી થતી હોય છે અત્યારે જે કામગીરી ચાલી રહી છે તેમાં રિક્રુટમેન્ટ બોર્ડ અને એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ પૂરતી કાળજી રાખ્યા વગર આ પ્રકારની કામગીરી કરી રહી છે અને તેનું પરિણામ ભવિષ્યમાં જોવા મળશે.