BREAKING NEWS

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીનું મુહૂર્ત આવ્યું: આજથી ઓનલાઇન અરજી સ્વીકારશે, બેઝિક પગાર રૂ. 1,44,200

  • November 10, 2025 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરીક્ષા નિયામક, ડેપ્યુટી રજીસ્ટ્રાર, સિવિલ એન્જિનિયર સહિતની આઠ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અવારનવાર સરકારમાં રજૂઆત કર્યા પછી હવે દસ વર્ષ પછી ભરતીનું મૂહુર્ત આવ્યું છે. જોકે હજુ આ માટે રોસ્ટરને સરકારમાંથી મંજૂરી મળી નથી અને મંજૂરી મળયા પછી 150 જેટલી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની જોગવાઈ મુજબ યુનિવર્સિટીમાં કાર્યરત ઇન્ટર્નલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સેલ (આઇકયુએસી) અને કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ( સીસીડીસી) માટે યુ.જી.સી એ પ્રોફેસર કક્ષાની ડાયરેક્ટરની જે બે પોસ્ટ મંજૂર કરી છે તે સહિતની આઠ જગ્યા માટે નિમણૂક ની પ્રક્રિયા શરૂ થઈ છે અને અરજીઓ માંગવામાં આવી છે.

યુજીસીએ સીસીડીસી અને આઈકયુએસીમાં પ્રોફેસર કક્ષાની ડાયરેક્ટરની જે બે જગ્યા મંજૂર કરી છે તેમાં બેઝિક પગાર રુ. 1,44,200 નો હોવાથી પસંદગી પામનાર ઉમેદવારને મોંઘવારી ભથ્થા અને ઘરભાડા સહિત અંદાજે રૂપિયા અઢી લાખની રકમ મળશે.

દિવ્યાંગ કેટેગરીમાં બે પ્રોફેસર અને એક આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂક માટે અરજીઓ માગવામાં આવી છે. જેમાં ગુજરાતી ભવન અને શિક્ષણશાસ્ત્ર ભવનમાં દિવ્યાંગ કેટેગરીમાં પ્રોફેસર ની ભરતી કરવાની થાય છે. જ્યારે કાયદા ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ખાલી પડેલી જગ્યા માટે પણ અરજી માગવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે ડેપ્યુટી રજીસ્ટાર, પરીક્ષા નિયામક, સિવિલ એન્જિનિયર સહિતની મહત્વની આઠ જેટલી જગ્યાઓ ખાલી પડી છે. તે માટે આજથી તારીખ 1 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજીઓ કરી શકાશે. જે ઉમેદવારો ઓનલાઇન અરજી કરે તેમણે તારીખ 8 ડિસેમ્બર સુધીમાં પ્રમાણપત્રોની હાર્ડ કોપી પણ સબમીટ કરવાની રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application