ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર અને તોફાની બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૩ કલાક એટલે કે સાંજે 7 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની ગંભીર આગાહી કરવામાં આવી છે. તીવ્ર પવનની ચેતવણી સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરત, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને દીવ સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદ અને પવનની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ભારે વરસાદના પગલે રાજ્યના અનેક ભાગોમાંથી જળબંબાકાર થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં ચાલુ સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત ઐતિહાસિક દામોદર કુંડમાં પણ પાણીની આવક નોંધાઈ છે. જૂનાગઢના ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબકવાને કારણે પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણીના પ્રવાહો વહેવા લાગ્યા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે પ્રખ્યાત વિલિંગ્ડન ડેમમાં પણ પાણીની વિપુલ આવક શરૂ થઈ ગઈ છે, જેના પરિણામે ડેમ ઓવરફ્લો થવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.
આ ભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે પોરબંદર જિલ્લામાંથી એક દુર્ઘટના પણ સામે આવી છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાસાબડ ગામે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી, જેમાં એક પશુપાલક અને તેની ભેંસનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, કાસાબડ ગામના વિનુ મેરામણ ઓડેદરા પોતાની ભેંસને લઈને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અચાનક વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ બાદ મૃતદેહને પેાસ્ટમોર્ટમ અર્થે કુતિયાણાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જેના કારણે પરિવાર અને ગામમાં શોકનું મોટો માહોલ છવાઈ ગયો છે.
બીજી તરફ, વેરાવળ અને તાલાલા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે તાલાલા-વેરાવળ સ્ટેટ હાઈવે તેમજ તાલાલા પ્રવેશદ્વાર નજીક એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ઘુસિયા ગામ નજીક હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર આંશિક રીતે પ્રભાવિત થયો હતો. માર્ગો પરથી પાણીના ધોધ વહેતા થવાની સાથે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ મેઘમહેરથી ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી રહી છે, જો કે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.