BREAKING NEWS

ગુજરાત પર નવી બે વરસાદી સિસ્ટમ સક્રિય, મિની વાવાઝોડા સાથે પવન ફૂંકાશે, અહીં અપાયું રેડ એલર્ટ

  • July 26, 2026 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં હાલ બે સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત થવાના કારણે આગામી કલાકો દરમિયાન સાર્વત્રિક અને મનમૂકીને વરસાદ વરસવાની મજબૂત આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ભારે ચોમાસું માહોલ જામ્યો છે. આ વરસાદી સિસ્ટમની વ્યાપક અસરના પરિણામે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં મુશળધારથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે સ્થાનિક તંત્રને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.


તદુપરાંત, રાજધાની ગાંધીનગર સહિત અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરા જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે, જ્યાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે તાપી, નવસારી, વલસાડ, અમરેલી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણમાં 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. આગામી સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ તેજ પવન અને ગાજવીજ સાથે વાવાઝોડા જેવું વાતાવરણ રહેવાની પણ શક્યતા દર્શાવાઈ છે.


છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૪ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

છેલ્લા ૨૪ કલાકના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યના કુલ ૨૦૪ તાલુકાઓમાં નોંધપાત્ર મેઘમહેર જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં ૫.૫ ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે. બનાસકાંઠાના ઓગડ વિસ્તારમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય નવસારીના ખેરગામ, ખેડાના નડિયાદ અને વલસાડના નાનાપોંડા તાલુકામાં ૩.૫-૩.૫ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.


અન્ય વિસ્તારોની વાત કરીએ તો, અરવલ્લીના ભિલોડા, પાટણ શહેર તથા સરસ્વતી તાલુકામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાવ-થરાદના લાખણી, સાબરકાંઠાના ઈડર, મહેસાણાના વિસનગર અને બનાસકાંઠાના અમીરગઢમાં ૨.૫-૨.૫ ઈંચ તેમજ ધાનેરામાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. આ મુખ્ય તાલુકાઓ ઉપરાંત રાજ્યના અન્ય ૧૯૧ જેટલા તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ નોંધાયો છે, જેનાથી સમગ્ર રાજ્યમાં પાણીની આવક વધી છે અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.


તંત્ર દ્વારા સાવચેતીના પગલાં

વરસાદની તીવ્રતા અને એલર્ટને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભારે પવન અને વરસાદની શક્યતાને પગલે નદી-નાળા કાંઠે ન જવા તથા બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application