રાજકોટ શહેર-જિલ્લામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક પર્વની ચૌધરી હાઈસ્કૂલ ખાતે થનારી ઉજવણી પૂર્વે આજે સવારે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
સવારે ૯ કલાકે રિહર્સલનો પ્રારંભ થયો હતો. તેમાં સૌથી પહેલા ધ્વજવંદન-રાષ્ટ્રગાન ત્યારબાદમાં અધિકારીઓ દ્વારા પરેડ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. એ પછી પોલીસ, હોમગાર્ડ્સ તથા એન.સી.સી.ની ગર્લ્સ બટાલિયનની પ્લાટૂન દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.
આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગ તેમજ સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી,સમગ્ર રિહર્સલના ઝીણવટપૂર્વક નિરિક્ષણ બાદ પશ્ચિમ મામલતદાર એ.એમ. જોશી, દક્ષિણ મામલતદાર આર.કે. સરવૈયા, તથા પૂર્વ મામલતદાર એન. પી. અજમેરા સહિતના અધિકારીશ્રીઓએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિવિધ વિભાગો-ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.
મહત્ત્વનું છે કે, ચૌધરી હાઈસ્કૂલના પ્રાંગણમાં ૨૬મીએ રાજકોટ શહેર કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારની અધ્યક્ષતામાં કરવામાં આવશે જે તૈયારીઓ ને આખરીઓ આપવામાં આવી રહ્યો છે.