સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનએ યુનાઇટેડ સ્ટેટ્સની તેમની મુલાકાત દરમિયાન અનેક મુખ્ય સોદાઓ અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વૈશ્વિક હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ આ મુલાકાતની એક તસવીર સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લા અને એક્સ સીઈઓ ઈલોન મસ્ક તેમા એકસાથે દેખાયા હતા. લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને જાહેર વિવાદો છતાં, મસ્કને વ્હાઇટ હાઉસ ખાતે સાઉદી ક્રાઉન પ્રિન્સના માનમાં આયોજિત સ્ટેટ ડીનરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મસ્કે તેમાં હાજરી પણ આપી હતી.
આ હાઇ-પ્રોફાઇલ ડિનર યુએસ-સાઉદી સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે. આ ઘટના પછી, ઈલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું, હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો અમેરિકા અને વિશ્વ માટે તેમણે જે કંઈ કર્યું છે તેના માટે આભાર માનું છું. આ સંદેશથી તેમના સંબંધો વિશે નવી ચર્ચા શરૂ થઈ છે.
ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધો હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. મસ્કે 2016 માં ટ્રમ્પને ટેકો આપ્યો હતો, પરંતુ તે પછી તરત જ બંને વચ્ચે મતભેદો વધવા લાગ્યા. 2025 માં જ્યારે મસ્કે ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલની કડક ટીકા કરી ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. આ પછી, મસ્કે મે 2025 માં વ્હાઇટ હાઉસ સલાહકાર સમિતિ છોડી દીધી હતી.
ઘણા અહેવાલો અનુસાર, ટ્રમ્પ અને મસ્ક વચ્ચે કડવાશ હોવા છતાં, તેમને સ્ટેટ ડીનરમાં આમંત્રણ આપવું એ એક વ્યૂહાત્મક નિર્ણય હતો. આ માટે ઘણા કારણો ટાંકવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયાએ ટેસ્લા અને મસ્કની એઆઈ કંપની, એક્સએઆઈમાં 40 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. એમબીએસ ટેકનોલોજી અને એઆઈ ક્ષેત્રોને ઝડપથી વિસ્તૃત કરવા માંગે છે. આ વખતે 1 ટ્રિલિયન ડોલરથી વધુ મૂલ્યના સોદાઓની ચર્ચા થઈ રહી છે, જેમાં ટેક સેક્ટર મુખ્ય ખેલાડી છે. મસ્કની હાજરી યુએસ ટેક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે. નિષ્ણાતોના મતે, ટ્રમ્પ આ કાર્યક્રમ દ્વારા પોતાની વૈશ્વિક સ્થિતિ મજબૂત કરવા માંગતા હતા. તેથી, મસ્ક અને ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવી અગ્રણી વ્યક્તિઓની હાજરીએ ડીનરને વધુ હાઇ-પ્રોફાઇલ બનાવ્યું.
કેટલાક અહેવાલો એવું પણ સૂચવે છે કે ટ્રમ્પ સાથે મસ્કની વધતી જતી નિકટતા રાજકીય અથવા વ્યૂહાત્મક ભૂમિકામાં પાછા ફરવાની સંભાવના સૂચવે છે. તેઓ તાજેતરમાં ચાર્લી કિર્કના પીસ સમિટમાં ટ્રમ્પ સાથે દેખાયા હતા, જેના કારણે વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનર ચર્ચાનો એક નવો વિષય બન્યો.