ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે જાહેરાત કરી છે કે તે ભારતના એડવાન્સ્ડ મિડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ) કાર્યક્રમ માટે સ્વદેશી કોમ્બેટ એન્જિનના ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને ડિલિવરી માટે બ્રિટનની જાણીતી એરો-એન્જિન કંપની રોલ્સ-રોયસ સાથે ભાગીદારી કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ ભાગીદારી સાકાર થશે તો ભારતમાં જ અદ્યતન લડાકુ વિમાનો માટે એન્જિન વિકસાવવાની અને બનાવવાની ક્ષમતા ઊભી થઈ શકે છે.
રિલાયન્સે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ મારફતે આ અંગે માહિતી આપી છે. બંને કંપનીઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ ભારતમાં એક સમર્પિત એરોસ્પેસ ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ સ્થાપવાની સંભાવનાઓ શોધી રહી છે. આ કેન્દ્રને એન્જિન ટેક્નોલોજી અને પ્રોપલ્શન ક્ષેત્રે ઉત્તમતા કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજના છે.
પ્રસ્તાવિત ભાગીદારી હેઠળ રોલ્સ-રોયસની અદ્યતન ટેક્નોલોજી અને લાંબા સમયનો એન્જિન વિકાસનો અનુભવ રિલાયન્સની ટેક્નોલોજી, ઉત્પાદન ક્ષમતા, મોટા પાયે કામગીરી અને અમલીકરણની ક્ષમતાઓ સાથે જોડાશે. આ અંતર્ગત કોમ્બેટ એન્જિનનું ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન, પરીક્ષણ અને લાંબા ગાળાની સહાય જેવી કામગીરી ભારતમાં કરવાની સંભાવના છે.
આ પહેલને ભારતના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવાના પ્રયાસ સાથે જોડવામાં આવી રહી છે. ભારત લાંબા સમયથી પોતાના પાંચમી પેઢીના લડાકુ વિમાન એએમસીએ માટે સ્વદેશી એન્જિન વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં દેશ લડાકુ વિમાનોના એન્જિન માટે વિદેશી ટેક્નોલોજી અને સપ્લાયરો પર નિર્ભર છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું કે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીમાં દેશની પોતાની ક્ષમતા જરૂરી છે. તેમના જણાવ્યા અનુસાર, આ ભાગીદારી ભારતમાં એરો-એન્જિનનું મજબૂત ઇકોસિસ્ટમ ઊભું કરવામાં મદદરૂપ બની શકે છે.
રોલ્સ-રોયસના CEO તુફાન એર્ગિનબિલ્ગિકે પણ આ ભાગીદારીને ભારતના આત્મનિર્ભર એરોસ્પેસ ક્ષેત્રના નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. બંને કંપનીઓનું કહેવું છે કે સહયોગ માત્ર એએમસીએ એન્જિન પૂરતો મર્યાદિત ન રહી શકે. ભવિષ્યમાં ડિફેન્સ, સિવિલ એરોસ્પેસ તેમજ નવી પાવર અને પ્રોપલ્શન સિસ્ટમ્સ જેવા ક્ષેત્રોમાં પણ સહકારની શક્યતાઓ ઊભી થઈ શકે છે.જોકે, હાલ આ જાહેરાત અંતિમ કરાર કે સંયુક્ત સાહસની રચના સમાન નથી. બંને કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ભારતમાં પ્રસ્તાવિત ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ સ્થાપવાની શક્યતાઓ અંગે ચર્ચા અને મૂલ્યાંકન ચાલી રહ્યું છે.