BREAKING NEWS

રાજકોટમાં 5.37 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ બેલડીના રિમાન્ડ મંગાશે

  • November 24, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટનો શખસ જેલમાં ગયા બાદ જેલમાં અન્ય આરોપી સાથે પરિચય અને મિત્રતા બંધાયા બાદ જેલ બહાર નીકળતાની સાથેજ રાજકોટ અને દાહોદના શખસે ડ્રગ્સની હેરા ફેરી શરૂ કર્યાની એસ ઓ જી ને મળેલ બાતમીના આધારે સ્વસ્તિક વિલા સોસાયટી બેડી ચોકડી નજીક બન્નેને ૫.૩૭ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેર એસઓજી પીઆઈ સંજયસિંહ જાડેજા, પીએસઆઈ વી.વી.ધ્રાંગુ સહિતની ટીમે વિસ્તાર પેટ્રોલિંગમાં હતા ત્યારે દિવ્યરાજસિંહ ગોહિલ હાર્દિક સિંહ પરમારને મળેલ બાતમીના આધારે બેડી ચોકડી પાસે સ્વસ્તિક વિલા સોસાયટી શેરી નં.૧માં આવેલા રહેણાક મકાનમાં દરોડો પાડ્યો હતો.


આ દરમ્યાન 5.37 લાખ ની કિંમત ના ૧૭૯.૨૪ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે રાજકોટના અલ્પેશ ઉર્ફે ભૂરો રમેશભાઈ તન્ના અને ગોધરાના ચિખોદ્રા ગામે રહેતા સફી ગુલામભાઈ પીંજારાની ધરપકડ કરી, પૂછપરછ કરતા પોતાનું નામ અલ્પેશ રમેશભાઈ તન્ના રહે સ્વસ્તિક વિલાસ સોસાયટી બીડી ચોકડી નજીક રહેતો હોવાનું તેમજ અગાઉ ૨૧-૭-૨૦૨૪ના ખેડાના સેવાલિયા ગામે પકડાયેલા ૧૪.૫૦ લાખની કિંમતના ૧૪૯ ગ્રામ ડ્રગ્સ કેસમાં ખુલ્યું હોય તેને નડિયાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.


જેલમાં તેનો ભેટો પીંજારા ગૌમાંસ કેસમાં પકડાયેલા સુફી ગુલામભાઈ પીંજારા સાથે થયો હતો. બન્ને વચ્ચે મિત્રતા થઈ જતાં અલ્પેશે સફીપીંજરાને ડ્રગ્સનો જથ્થો રાજકોટ સુધી પહોંચાડવા માટે કહેલ બદલામાં તેને અવર-જવરનો ખર્ચ તેમજ રોકડ રકમ સહિત તમામ ખર્ચ આપવાની લાલચ આપી હતી.


અલ્પેશે સફીને કહ્યું હતું કે રાજસ્થાનથી તેને એક શખસ દાહોદ સુધી ડ્રગ્સ આપી જશે અને ત્યાંથી લઈને સફીએ તે ડ્રગ્સ તેને રાજકોટ સુધી પહોંચાડવાનું રહેશે. અલ્પેશ ઉપર અગાઉ રાજકોટમાં ડ્રગ્સ હેરાફેરી સહિત ચાર ગુના નોંધાઈ ચૂક્યા હોય પોલીસની નજર તેના પર કેન્દ્રિત હતી જેથી પોતે પકડાઈ નહી તે માટે તેણે સફી મારફતે ડ્રગ્સ મંગાવવાનું નક્કી કર્યું હતું.


સફી પીંજરાને દાહોદ સુધી રાજસ્થાનનો શખસ ડ્રગ્સ આપી ગયા બાદ તે જથ્થો સફી રાજકોટ આપવા માટે આવ્યો હતો અને બન્ને અલ્પેશના ઘરમાંથી ઝડપાઈ ગયા હતા. અલ્પેશ ડ્રગ્સનો બંધાણી હોવાનું અને તે ચોક્કસ બાંધણીને કોડવર્ડમાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું બહાર આવતા ધર પકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application