માણાવદર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન ગણાતા દગડ ડેમની મરામતની કામગીરી આખરે પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે આ ડેમ તૂટી ગયો હતો. આ દુર્ઘટનાને સાત મહિના જેટલો લાંબો સમય વીતી ચૂકયો છે, જેના લીધે લાખો ગેલન કિંમતી પાણી વહી ગયું હતું અને સ્થાનિક સ્તરે પાણીની ભારે અછત સર્જાઈ હતી. આગામી ચોમાસામાં ફરી આવી સ્થિતિ ન સર્જાય અને પાણીનો યોગ્ય સંગ્રહ થઈ શકે તે માટે અત્યારે ડેમ સાઇટ પર યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. ચોમાસું બેસે તે પહેલાં જ આ કામગીરી પૂર્ણ કરવાનો વહીવટી તંત્રનો લક્ષયાંક છે. આ ચાલતી કામગીરીની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પણ બ મુલાકાત લીધી હતી. તેમણે કામનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ કામગીરી શરુ થતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે..