BREAKING NEWS

ઓનલાઇન ડિલિવરી નવો પાંચ ટકા જીએસટી લાગ્યાના અહેવાલો ખોટા

  • October 13, 2026 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારો પહેલાં ઓનલાઇન ખરીદી અને ખાદ્યપદાર્થોની ડિલિવરી સેવાઓ ઉપર સરકારે નવો પાંચ ટકા જીએસટી લાદ્યો હોવાના અહેવાલોને કેન્દ્ર સરકારે ખોટા ગણાવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ, એટલે કે સીબીઆઇસીએ સ્પષ્ટતા કરી છે કે ઓનલાઇન ડિલિવરી સેવાઓ ઉપર કોઈ નવો કર લાદવામાં આવ્યો નથી. ઊલટું આ સેવાઓ ઉપર અગાઉ લાગતો ૧૮ ટકા જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.સામાજિક માધ્યમો ઉપર છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો ફરતો થયો હતો. તેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં ઓનલાઇન ડિલિવરી સેવાઓ ઉપર પાંચ ટકા જીએસટી લાદવાનો નિર્ણય કર્યો છે. આ વીડિયોને કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ હતી. કેટલાક લોકોએ તેને નવા કરવેરા તરીકે ગણાવ્યો હતો, જ્યારે કેટલાક ગ્રાહકો ઓનલાઇન ખરીદી ઉપરનો કર ઘટ્યો હોવાનું સમજી રહ્યા હતા.આ ગેરસમજ દૂર કરવા માટે સીબીઆઇસીએ ૧૦ ઓક્ટોબરે સામાજિક માધ્યમ એક્સ ઉપર સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરી હતી. બોર્ડે જણાવ્યું હતું કે વીડિયોમાં કરવામાં આવેલો દાવો હકીકતની દૃષ્ટિએ ખોટો છે.સીબીઆઇસીના જણાવ્યા પ્રમાણે ફૂડ ડિલિવરી એપ્લિકેશન સહિતની ડિલિવરી સેવાઓ ઉપર અગાઉ ૧૮ ટકા જીએસટી લાગતો હતો. જીએસટી કાઉન્સિલની ૫૭મી બેઠકમાં કરવામાં આવેલી ભલામણ પ્રમાણે આ દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે પૂરી પાડવામાં આવતી ડિલિવરી સેવાઓ ઉપર હવે એકસમાન પાંચ ટકા જીએસટી લાગુ પડે છે.સરકારે ખાસ સ્પષ્ટતા કરી છે કે કરના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, કોઈ નવો કર ઉમેરવામાં આવ્યો નથી. સીબીઆઇસીએ લોકોને ખોટા સમાચાર ન ફેલાવવાની પણ અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application