રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૯માં ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે તે દરમિયાનમાં નાગરિકો તેમની સમસ્યા રજુકરીને વિવિધ રાજકીય પક્ષના ઉમેદવારોને મુંઝવી રહ્યા છે. વોર્ડ નં.૯ના કિસ્મતનગર વિસ્તારમાં બિસમાર રસ્તાઓને પ્રશ્રે લત્તાવાસીઓએ થાળી-વેલણ વગાડીને વિરોદ્ધ વ્યકત કર્યો હતો. વોર્ડ નં.૯ના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની સમસ્યા અંગે રજુઆત કરવા છતાં આજ દિવસ સુધી ડામર રસ્તા બન્યા ન હોય આ મામલે થાળી વગાડીને લત્તાવાસીઓએ વિરોદ્ધ કર્યો હતો. પુર્વ કોર્પોરેટરોએ લોકોને જણાવ્યા મુજબ જે વિસ્તારમાં વિરોદ્ધ થયો છે તે વિસ્તારના રસ્તા કલેક્ટર તંત્ર હેઠળ આવે છે. જયારે નાગરિકો કહે છે મહાપાલિકા અમારી પાસેથી વેરો તો વસુલી જાય છે જો મહાપાલિકા વિસ્તારમાં આવતા ન હોય તો વેરો શા માટે વસુલે છે ? વોર્ડ નં.૯માં અનેક વિસ્તારોમાં ચોમાસામાં રસ્તાની દુર્દશા થઈ ગઈ હતી તેમાંથી અમુક વિસ્તારોમાં ડામર રોડ બનાવાયા છે પરંતુ અનેક વિસ્તારો એવા છે કે, જયાં આગળ હજુ સુધી ડામર રોડ બન્યા નથી કે પેચવર્ક પણ કરાયા નથી. કિસ્મતનગર વિસ્તારના રહીશો તેમના વિસ્તારમાં ભાજપ સહિત જે કોઈ રાજકીય પક્ષના ઉમેદવારો પ્રચાર માટે આવે તેમનો ઉધડો લઈ રહ્યા છે.